<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

એમેઝોને ૨૫૦ કર્મચારીઓની કરી છટણી

સવારે ઈમેલ આવ્‍યો અને નોકરી ગઈ! ટેકનોલોજી ક્ષેત્રમાં ચિંતા વધારી : કંપનીએ પોતાના ડિવાઇસ અને સર્વિસિસ વિભાગમાં આશરે ૨૫૦ નોકરીઓમાં કાપ

નવી દિલ્‍હી,તા.૨૯: દુનિયાની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોનએ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરતાં ટેકનોલોજી ક્ષેત્રમાં ચિતા વધારી છે. કંપનીએ પોતાના ડિવાઇસ અને સર્વિસિસ વિભાગમાં આશરે ૨૫૦ નોકરીઓમાં કાપ મૂક્‍યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અસરગ્રસ્‍ત કર્મચારીઓને વહેલી સવારે ઈમેલ અને ટેક્‍સ્‍ટ મેસેજ દ્વારા નોકરીમાંથી છૂટા કરવાની જાણ કરવામાં આવી હતી.

રોઇટર્સના અહેવાલ અનુસાર, એમેઝોનની તાજેતરની છટણીની સૌથી વધુ અસર સોફટવેર ડેવલપમેન્‍ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ પર પડી છે. આ વિભાગ Kindle ઈ-રીડર, Echં સ્‍માર્ટ સ્‍પીકર અને અન્‍ય સ્‍માર્ટ ડિવાઇસ તૈયાર કરે છે.

કંપનીના ડિવાઇસ અને સર્વિસિસ વિભાગનાં HR વાઇસ પ્રેસિડેન્‍ટ ચેરી રોબિન્‍સને કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્‍યું હતું કે સંગઠનના માળખાની વિસ્‍તૃત સમીક્ષા બાદ કેટલાક હોદ્દા નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો છે.

એમેઝોનના પ્રવક્‍તાએ છટણીની પુષ્ટિ કરતાં જણાવ્‍યું કે કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવા અને ભવિષ્‍યના પ્રોડક્‍ટ પ્‍લાનિગ સાથે કર્મચારીઓની સંખ્‍યાનું યોગ્‍ય સંકલન કરવા આ નિર્ણય લેવાયો છે.

મહત્‍વનું છે કે કંપનીએ તાજેતરમાં નવા Kindle અને ટેબલેટ સહિત Alexa આધારિત સ્‍માર્ટ ડિવાઇસ પણ રજૂ કર્યા છે. નવી પ્રોડક્‍ટ લોન્‍ચિંગ વચ્‍ચે કર્મચારીઓની છટણીએ ચર્ચા જગાવી છે.

ઓક્‍ટોબરની શરૂઆતમાં એમેઝોને પોતાના મુખ્‍ય રિટેલ વિભાગ (Retail Division)માંથી આશરે ૧,૦૦૦ નોકરીઓમાં કાપ મૂક્‍યો હતો. હવે વધુ ૨૫૦ જેટલી નોકરીઓ ઘટતાં કર્મચારીઓની ચિતા વધી છે.

આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (Artificial Intelligence) અને ઓટોમેશનના વધતા ઉપયોગ વચ્‍ચે ટેક કંપનીઓમાં રોજગારની સ્‍થિતિ ચર્ચાનો વિષય બની છે. જોકે, એમેઝોને આ ચોક્કસ છટણીનું સીધું કારણ AI હોવાનું જણાવ્‍યું નથી

(3:24 PM IST)