News of Sunday, 26th July 2026
તોલોલિંગના શિખરે કારગિલ યુદ્ધની અદ્ભુત ગાથા: ભૂખ-તરસ વચ્ચે પાકિસ્તાની કંપાઉન્ડમાં ભારતીય વીરોનું અસાધારણ સાહસ
દુશ્મન પર કાળ બનીને ત્રાટકેલા ભારતીય સૈનિકોએ દારૂગોળો લઈ જવા ખોરાકનો ત્યાગ કર્યો : લોહી થીજવતી ઠંડી અને વિસ્ફોટકોથી ઝેરી બનેલા બરફ વચ્ચે પાકિસ્તાની રસોડામાંથી ખોરાક શોધી જિંદગીની જંગ જીતી

નવી દિલ્હી : કારગિલ યુદ્ધ દરમિયાન તોલોલિંગની દુર્ગમ ટેકરીઓ પર ભારતીય વીર જવાનોએ વિજયનો ત્રિરંગો લહેરાવીને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ આ ઐતિહાસિક જીત પાછળ ભૂખ, તરસ અને બલિદાનની એક એવી અકલ્પનીય ગાથા છુપાયેલી છે જે રુંવાડા ઉભા કરી દે છે. દુશ્મન સામેની સામસામેની લડાઈમાં ગોળીઓ ખૂટી ન પડે તે માટે ભારતીય જવાનોએ પોતાના બેગમાંથી ખાવા-પીવાનો સામાન કાઢીને માત્ર હેન્ડ ગ્રેનેડ અને કારતૂસ ભરી લીધા હતા. આ અસાધારણ નિર્ણયને કારણે તોલોલિંગ સર કર્યા બાદ સતત ૪૮ કલાક સુધી સૈનિકો અન્ન અને પાણીના એક-એક ટીપા માટે તડપી રહ્યા હતા, જ્યારે બેકઅપ ટીમ ભારે શેલિંગના કારણે રસ્તામાં જ અટવાઈ ગઈ હતી.
યુદ્ધના નાયક કેપ્ટન અખિલેશ સક્સેનાના જણાવ્યા મુજબ, દિવસ-રાત થયેલા બંદૂકોના સતત ધડાકા અને સેંકડો ગ્રેનેડના વિસ્ફોટને કારણે તોલોલિંગના શિખર પરનો સમગ્ર બરફ બારૂદના ઝેરી રસાયણોથી દૂષિત થઈ ગયો હતો. સૈનિકો પાસે તરસ છીપાવવા માટે બરફ ચૂસવાનો પણ વિકલ્પ બચ્યો નહોતો, કારણ કે તે ઝેરી બની ચૂક્યો હતો. "દુશ્મનની ગોળીથી બચી ગયા પણ ભૂખ-તરસથી મરી જઈશું" તેવા ભયંકર સંકટ વચ્ચે પણ વીરોએ હિંમત ન હારી. તેમણે થોડા ફૂટ નીચે બરફ ખોદીને પહેલા હોઠ ભીના કર્યા અને ત્યારબાદ સામે દેખાતા પાકિસ્તાની સૈન્યના અડ્ડા (કંપાઉન્ડ) તરફ કૂચ કરવાનો સાહસિક નિર્ણય લીધો.
દુશ્મનની સતત ગોળીબારની વચ્ચે પોતાની પીઠ પર ખાલી બેગ બાંધીને ધુમાડાના બોમ્બ (સ્મોક ગ્રેનેડ) ફેંકતા ભારતીય જવાનો પાકિસ્તાની કંપાઉન્ડમાં ઘૂસી ગયા. આ અણધાર્યા હુમલાથી પાકિસ્તાની સેના પણ અવાક રહી ગઈ હતી. તે માળખાની અંદર પહોંચીને જવાનોએ પાકિસ્તાની રસોડું શોધી કાઢ્યું, જ્યાંથી કરાચી હલવો, ડ્રાયફ્રૂટ્સની ખીર અને અન્ય રાશન મળી આવ્યું. કાળઝાળ સ્થિતિમાં દુશ્મનના જ રસોડામાંથી ખોરાક મેળવીને ભારતીય સૈનિકોએ પોતાની ભૂખ ભાંગી અને માતૃભૂમિની રક્ષા માટે ફરીથી બમણા જુસ્સા સાથે સરહદ પર અડગ ઊભા રહ્યા.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
