<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

આકાશમાં અદ્ભુત નઝારો: પાંચ ક્રુઝ જહાજ જેટલો મોટો એસ્ટરોઇડ શનિવારે પૃથ્વી નજીકથી સ્પીડમાં પસાર થશે

અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં ૪૦૦ વર્ષ પછી પહેલીવાર '1997 NC1' નામનો મહાકાય ખડક પૃથ્વીની આટલી નજીકથી સેકન્ડના ૯ કિલોમીટરની તોફાની ઝડપે પસાર થશે : જેને નાના ટેલિસ્કોપથી પણ લાઈવ જોઈ શકાશે

નવી દિલ્હી. બ્રહ્માંડની રહસ્યમય દુનિયામાં રસ ધરાવતા લોકો માટે આ શનિવારની રાત અત્યંત રોમાંચક સાબિત થવાની છે. અંતરિક્ષમાંથી એક અત્યંત વિશાળકાય લઘુગ્રહ (એસ્ટરોઇડ) પૃથ્વીની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, '1997 NC1' નામનો આ એસ્ટરોઇડ કદમાં પાંચ મોટા ક્રુઝ જહાજો જેટલો વિશાળ છે. આ આકાશી ખડક શનિવારે પૃથ્વીથી આશરે ૨.૫૬ મિલિયન કિલોમીટર દૂરથી પસાર થશે. જો કે, પૃથ્વીવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે આનાથી કોઈ પણ પ્રકારના જોખમ કે અથડામણની શક્યતા નથી, વૈજ્ઞાનિકોએ ભયને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

આ મહાકાય એસ્ટરોઇડની ગતિ અંતરિક્ષમાં અંદાજે ૯ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી પૂરપાટ હોવાની પુષ્ટિ થઈ છે. વર્ષ ૧૯૯૭માં શોધાયેલા આ એસ્ટરોઇડની પહોળાઈ ૭૫૦ થી ૧૬૫૦ મીટરની વચ્ચે આંકવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારની આકાશી ઘટનાઓ નરી આંખે જોઈ શકાતી નથી, પરંતુ શનિવારે જ્યારે તે પૃથ્વીની સૌથી નજીક હશે, ત્યારે તેને નાના ટેલિસ્કોપ અથવા હાઈ-પાવર દૂરબીનની મદદથી ઉત્તરી ગોળાર્ધના વિસ્તારોમાંથી સ્પષ્ટ જોઈ શકાશે. જો કે, આ અદ્ભુત નઝારો જોવા માટે આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ અને અંધારું હોવું જરૂરી છે, કારણ કે તેજસ્વી ચંદ્રપ્રકાશ દૃશ્યતામાં થોડી અડચણ ઊભી કરી શકે છે.

વૈજ્ઞાનિક સંશોધનની દ્રષ્ટિએ આ ઉડાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ભ્રમણકક્ષાની ગણતરી દર્શાવે છે કે આ લઘુગ્રહ છેલ્લા ૪૦૦ વર્ષોમાં પહેલીવાર પૃથ્વીની આટલી નજીક આવી રહ્યો છે. આ દુર્લભ ઘટના પછી તે સીધો વર્ષ ૨૧૩૩માં જ પૃથ્વીની નજીક પરત ફરશે. નાસા અને ઈએસએ જેવી વિશ્વની અગ્રણી સ્પેસ એજન્સીઓ આ સુવર્ણ તકનો લાભ લઈને રડાર ટેકનોલોજી દ્વારા આ એસ્ટરોઇડનું ચોક્કસ કદ, તેની પરિભ્રમણ ગતિ અને બંધારણની તપાસ કરશે, જેથી ભવિષ્યમાં પૃથ્વીને આવા અવકાશી જોખમોથી બચાવવા માટે પ્લાનેટરી ડિફેન્સ સિસ્ટમ વધુ મજબૂત બનાવી શકાય.

(8:53 PM IST)