<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

બોલિવૂડમાં 'હનુમાન અંશ' નો અદ્ભુત ચમત્કાર: ૩૦૦ કરોડની કમાણીનો આંકડો વટાવી રચ્યો ઇતિહાસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યું ભવ્ય સન્માન

સામાન્ય શરૂઆત બાદ માઉથ પબ્લિસિટીના જોરે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ: બાબા નીમ કરોલીના જીવન પર આધારિત આ ફિલ્મે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી જીતી લીધા દર્શકોના દિલ

મુંબઈ : બોલિવૂડમાં હાલ ડિવાઇન ડ્રામા અને આધ્યાત્મિક વિષય પર બનેલી ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર એક નવો જ ઇતિહાસ રચી રહી છે. શરૂઆતના બે અઠવાડિયા સુધી સામાન્ય પ્રતિસાદ મેળવનાર આ ફિલ્મે ત્રીજા અઠવાડિયાથી માઉથ પબ્લિસિટીના જોરે એવી ગતિ પકડી કે કમાણીના તમામ જૂના રેકોર્ડ્સ ધ્વસ્ત કરી નાખ્યા છે. ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ રૂ. ૩૧૬ કરોડથી વધુનું કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યો છે.

 

ફિલ્મની આ ઐતિહાસિક સફળતાથી પ્રભાવિત થઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ફિલ્મના દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી સહિતની આખી ટીમને પોતાના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' બંગલે આમંત્રિત કરીને સન્માનિત કરી હતી. મુખ્યમંત્રીએ આ ખાસ મુલાકાતનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા ફિલ્મના વિષયવસ્તુ અને કલાકારોની ઉત્કૃષ્ટ કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

 

માત્ર ૧૦ લાખથી શરૂઆત કરી ૩૦૦ કરોડ સુધીની અદ્ભુત સફર

 

સેકનિલ્કના આંકડા મુજબ, આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે માત્ર ૧૦ લાખ રૂપિયાની સામાન્ય કમાણી કરી હતી અને શરૂઆતના બે સપ્તાહમાં માત્ર ૧.૫૦ કરોડનો વકરો થયો હતો. પરંતુ દર્શકોના અદ્ભુત પ્રેમ અને લોકચાહનાને કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર ૪૩ દિવસની સફર દરમિયાન ભારતમાં નેટ રૂ. ૨૪૮.૩૮ કરોડ અને વિદેશી બજારોમાંથી (ઓવરસીઝ) રૂ. ૨૩ કરોડ સાથે કુલ રૂ. ૩૧૬.૩૦ કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે.

 

બાબા નીમ કરોલીના જીવન ચરિત્ર પર આધારિત છે કથા

 

'હનુમાન અંશ' ની સફળતાનું મુખ્ય કારણ તેની ભાવનાત્મક અને આધ્યાત્મિક પટકથા છે. આ ફિલ્મ ભગવાન હનુમાનજીના પરમ ભક્ત એવા પૂજ્ય બાબા નીમ કરોલી (Neem Karoli Baba) ના પ્રેરણાદાયી જીવનચરિત્ર પર આધારિત છે. આધ્યાત્મિકતા અને ભક્તિભાવથી પરિપૂર્ણ આ ફિલ્મે દેશ-વિદેશના સિનેમાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે અને સિનેમાઘરોમાં હજુ પણ દર્શકોની ભીડ જામી રહી છે.

 

(10:20 PM IST)