<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગજબ કે'વાયઃ પતિથી છુટકારો મેળવવા માટે મહિલાએ કોર્ટમાં સગી નણંદને પતિની ઘરવાળી બનાવી દીધી

મહિલાએ પતિથી અલગ થવા માટે એવી રીત અપનાવી, જેણે સમાજમાં નવા સવાલો ઊભા કર્યા : મહિલાએ આ ફોટોમાં રહેલી નણંદને પતિની બીજી પત્‍ની ગણાવી અને તેને ઉપપત્‍ની સાબિત કરવાની કોશિશ કરી

ગ્‍વાલિયર,તા.૨૮: મધ્‍ય પ્રદેશના ગ્‍વાલિયરમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં એક મહિલાએ પતિથી અલગ થવા માટે એવી રીત અપનાવી, જેણે સમાજમાં નવા સવાલો ઊભા કર્યા છે. મહિલાએ પોતાના જ પતિની બહેનને સૌતન ગણાવીને કોર્ટમાં પૂરાવા રજૂ કર્યા. તેના માટે એક ફેમિલી ફોટોને બીજા લગ્નના પૂરાવા ગણાવ્‍યા. આ આધાર પર ફેમિલી કોર્ટે એકતરફી છુટાછેડાની ડિક્રી પ્રાપ્ત કરી લીધી. હવે આ નિર્ણયને પતિએ હાઈકોર્ટમાં પડકાર આપ્‍યો છે, જેનાથી મામલો ફરી એક વાર ચર્ચામાં આવ્‍યો છે.

કહેવાય છે કે બંનેના લગ્ન લગભગ ૨૮ વર્ષ પહેલા થયા હતા, પણ લાંબા સમયથી બંનેની વચ્‍ચે અણબનાવ ચાલી રહ્યો હતો. વર્ષ ૨૦૧૫થી બંને અલગ રહેતા હતા. પત્‍ની છૂટાછેડા લેવા માગતી હતી, જ્‍યારે પતિ તેના માટે તૈયાર નહોતા. આવા સમયે મહિલાએ કોર્ટની મદદ લીધી અને પતિ પર બીજા લગ્નનો આરોપ લગાવી છૂટાછેડા માગતી રહી. પતિની પોતાની દલીલો હતી તો મહિલા પોતાની જીદ પર અડગ રહી. પરિવારે સમજાવ્‍યા અને પોલીસના કાઉંસિલિગથી પણ બંને વચ્‍ચે સમાધાન થયું નહીં.

 જાણકારી અનુસાર, મહિલાના લગ્ન વર્ષ ૧૯૯૮માં એક માર્કેટિગ કંપનીમાં અધિકારી સાથે થયા હતા. પતિની નોકરીના કારણે તે મોટા ભાગે બહાર રહેતો હતો. જેનાથી બંને વચ્‍ચે અંતર વધી ગયું. સમય સાથે આ અંતર વિવાદમાં બદલાયું અને વર્ષ ૨૦૧૫થી બંને અલગ અલગ રહેવા લાગ્‍યા. પત્‍નીએ વર્ષ ૨૦૨૧માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. તેમાં તેણે પતિ પર બીજા લગ્ન કરવાનો આરોપ લગાવ્‍યો હતો. મહિલાએ દાવો કર્યો કે પતિએ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા છે અને તેના કારણે તેનું લગ્ન જીવન તૂટી ગયું.

સૌથી હેરાન કરનારી વાત એ છે કે મહિલાએ કોર્ટમાં એક ફેમિલી ફોટાને પૂરાવા તરીકે રજૂ કર્યો હતો. આ ફોટોમાં પતિ પોતાની બહેન અને અન્‍ય પરિવારના લોકો સાથે ઊભો હતો. મહિલાએ આ ફોટોમાં રહેલી નણંદને પતિની બીજી પત્‍ની ગણાવી અને તેને ઉપપત્‍ની સાબિત કરવાની કોશિશ કરી. કોર્ટે પ્રાથમિક તપાસ પર આ ફોટોને પૂરાવો માનતા પતિને એકપક્ષીય ઘોષિત કરી દીધો. કેમ કે તે સુનાવણી દરમ્‍યાન હાજર રહી શક્‍યો નહોતો. ત્‍યાર બાદ મહિલાને એકતરફી છુટાછેડાની ડિક્રી મળી ગઈ.

પતિને આ છુટાછેડાની જાણકારી એપ્રિલના પ્રથમ અઠવાડીયામાં મળી. જ્‍યારે તેણે કોર્ટનો રેકોર્ડ જોયો. તો તે ચોંકી ગયો. જે મહિલાને તેની બીજી પત્‍ની ગણાવી હતી, એ તો તેની સગી બહેન હતી. ત્‍યાર બાદ તેણે તરત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્‍યો અને કહ્યું કે, કોર્ટને આડા રસ્‍તે દોરી ખોટી રીતે છૂટાછેડા લઈ લીધા છે.

પતિએ પોતાની અરજીમાં જણાવ્‍યું કે જે સમયે કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. તે દરમ્‍યાન તેની માતાનું નિધન થઈ ગયું હતું. તે પારિવારિક જવાબદારીમાં વ્‍યસ્‍ત હતો, જેના કારણે કોર્ટમાં હાજર રહી શક્‍યો નહીં. તેનો આરોપ છે કે આવી સ્‍થિતિનો ફાયદો ઉઠાવી પત્‍નીએ તેને એકપક્ષીય ઘોષિત કરાવી દીધો અને કોર્ટને ખોટી જાણકારી આપી ચુકાદો પોતાના પક્ષમાં કરાવી લીધો.

સરકારી વકીલ ધર્મેન્‍દ્ર શર્માના જણાવ્‍યા અનુસાર, આ કેસ કોર્ટને આડા રસ્‍તે દોરવા અને ખોટા પૂરાવા રજૂ કરવા સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્‍યું કે, હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી છે અને આગળનો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવશે. આ ઘટનાએ ફરી એક વાર સવાલો ઊભા કર્યા છે કે શું કોર્ટમાં રજૂ કરવામાં આવતા પૂરાવાની યોગ્‍ય તપાસ થઈ રહી છે કે નહીં. નિષ્‍ણાંતોનું માનવું છે કે આવા કેસમાં જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં ન આવે તો ન્‍યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ થઈ શકે છે.

(9:41 AM IST)