<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

અરવલ્લીની ગિરીમાળાઓમાં કુદરતનું અદ્ભુત સૌંદર્ય ખીલ્યું: લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 'મિની કાશ્મીર' જેવો રોમાંચક માહોલ સર્જાયો

જાડા ધુમ્મસના ગોટા અને ઠંડા પવનો વચ્ચે ઘેરાયેલા રસ્તાઓ પર કુદરતી નજારાનો આનંદ માણતા પ્રવાસીઓ; ગિરિમથકમાં જામતી ચાની ચૂસ્કીઓ સાથે પર્યટકો થયા મંત્રમુગ્ધ

માઉન્ટ આબુ: રાજસ્થાનના એકમાત્ર લોકપ્રિય અને રમણીય ગિરિમથક માઉન્ટ આબુમાં હાલમાં કુદરતે પોતાની અસીમ સુંદરતાના રંગો ફેલાવ્યા છે, જેના કારણે અહીં આવનારા પ્રવાસીઓને કાશ્મીર જેવી દિલધડક અનુભૂતિ થઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હવામાનમાં આવેલા અચાનક પલટા અને ભારે ધુમ્મસના કારણે સમગ્ર માઉન્ટ આબુ પંથકમાં જાણે 'મિની કાશ્મીર' ઉતરી આવ્યું હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અરવલ્લીની ગિરીમાળાઓની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન આ દિવસોમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
માઉન્ટ આબુના પર્વતીય રસ્તાઓ અને ખીણો પર છવાયેલી ગાઢ ધુમ્મસની ચાદર તથા આહ્લાદક ઠંડા પવનોએ વાતાવરણને અત્યંત રોમેન્ટિક અને મનમોહક બનાવી દીધું છે. વહેલી સવારથી જ ચારેબાજુ છવાઈ રહેલું ગાઢ ધુમ્મસ અને આકાશમાંથી વરસતી હળવી ઠંડકનો અનુભવ કરવા માટે દૂર-દૂરથી સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા છે. આ મોહક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ રસ્તાઓની કિનારે બેસીને ગરમાગરમ ચાની ચૂસ્કીઓ માણતા નજરે પડી રહ્યા છે. જાડા ધુમ્મસની લહેરો વચ્ચે ચાની ચુસ્કી લેવાનો આ અદભુત લહાવો પ્રવાસીઓની થાક ઉતારી દે છે અને તેમને અદભુત તાજગી પ્રદાન કરે છે.
આ સુંદર વાતાવરણનો આનંદ લેવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. નકી લેક, સનસેટ પોઈન્ટ અને ગુરુશિખર જેવા પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર પણ ધુમ્મસનો વિશેષ નજારો જોવા મળી રહ્યો છે. પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે આ સમય સોનામાં સુગંધ સમાન સાબિત થઈ રહ્યો છે. કુદરતના આ સ્વરૂપે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે અને દરેક વ્યક્તિ આ ક્ષણોને પોતાના કેમેરામાં કંડારી લેવા આતુર દેખાઈ રહી છે.

(1:43 PM IST)