<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અમરનાથ યાત્રા રૂટ પર શેષનાગ તળાવ પાસે રસ્તો પહોળો કરવાના મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગરમાવો: PDP અને ભાજપ આમને-સામને

પહેલગામ થઈને અમરનાથ ધામ જતા માર્ગ પર ચાલી રહેલા બાંધકામ સામે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને સ્થાનિક નેતાઓનો ઉગ્ર વિરોધ; યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષાના મુદ્દે ભાજપે આપ્યું મજબૂત સમર્થન

શ્રીનગર, તા. ૨૬: જમ્મુ અને કાશ્મીરમાં મંત્રીમંડળના ફેરબદલ બાદ સર્જાયેલો રાજકીય વિવાદ હજુ શાંત પણ નથી થયો, ત્યાં જ હવે રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. આ વખતે સત્તાધારી નેશનલ કોન્ફરન્સ નહીં, પરંતુ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે સીધો ટકરાવ જોવા મળી રહ્યો છે. આ નવા વિવાદના કેન્દ્રમાં પવિત્ર શ્રી અમરનાથ યાત્રા રૂટ પર આવેલા શેષનાગ તળાવ નજીક ચાલી રહેલું બાંધકામ છે.

વાસ્તવમાં, પહેલગામ થઈને શ્રી અમરનાથ ધામ તરફ જતા પરંપરાગત માર્ગ પર શેષનાગ તળાવ નજીક શ્રદ્ધાળુઓની સુવિધા માટે રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ સંવેદનશીલ વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામ સામે PDP અને કેટલાક સ્થાનિક નેતાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે સમગ્ર મામલે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે.

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આ વિકાસ કાર્યને મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે. બંને પક્ષોના નેતાઓ વચ્ચે આ મુદ્દે શાબ્દિક પ્રહારો તેજ બન્યા છે. એક તરફ પર્યાવરણ અને સ્થાનિક ચિંતાઓને આગળ ધરીને PDP આ કામગીરીનો વિરોધ કરી રહી છે, તો બીજી તરફ યાત્રાળુઓની સુરક્ષા અને સરળ અવરજવરના દૃષ્ટિકોણથી શેષનાગની આસપાસ રસ્તો પહોળો કરવો અત્યંત જરૂરી હોવાનું મનાઈ રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે બંને પક્ષો સામસામે આવી જતાં ખીણમાં રાજકીય માહોલ તંગ બન્યો છે.

(5:33 PM IST)