<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

૩ જુલાઈથી અમરનાથ યાત્રા: સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર: ભક્તોની સુરક્ષા માટે અભૂતપૂર્વ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

આતંકી હુમલાની સીધી ધમકી નથી, છતાં ડ્રોન, ફેસ રેકગ્નિશન અને આરએફઆઈડી ટ્રેકિંગથી કડક નજર રખાશે : યાત્રામાં ૬૭૦ અર્ધલશ્કરી કંપનીઓ તૈનાત કરાશે: ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવા સ્પષ્ટ સૂચના

જમ્મુ: આગામી ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી પવિત્ર અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આતંકી ખતરાની કોઈ સ્પષ્ટ ધમકી ન હોવા છતાં, ગુપ્તચર અહેવાલોને આધારે ૨ લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. આધુનિક ટેકનોલોજી અને ડ્રોન દ્વારા યાત્રાના રૂટ પર બાજનજર રાખવામાં આવશે.

 

આગામી ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી પવિત્ર અમરનાથ યાત્રા પર આ વખતે ભલે કોઈ સીધી આતંકવાદી ધમકી ન હોય, પરંતુ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. તાજેતરના આતંકવાદી ઘટનાક્રમ અને ગુપ્તચર અહેવાલોને ધ્યાનમાં રાખીને સંભવિત ખતરાઓને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા યાત્રાળુઓની સુરક્ષા માટે જડબેસલાક અને અભૂતપૂર્વ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

આ વર્ષે અમરનાથ યાત્રા ૩ જુલાઈથી ૨૮ ઓગસ્ટ સુધી ચાલશે. તાજેતરની સુરક્ષા સમીક્ષા બેઠકોમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદી સંગઠનો યાત્રાને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે, આથી દરેક સ્તરે સતર્કતા વધારી દેવામાં આવી છે. સીઆરપીએફ અને અન્ય દળોના વરિષ્ઠ અધિકારીઓએ આતંકી નેટવર્ક અને 'ઓવરગ્રાઉન્ડ વર્કર્સ' વિરુદ્ધ સર્ચ ઓપરેશન સઘન બનાવવાના નિર્દેશ આપ્યા છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે કેન્દ્ર સરકારે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની લગભગ ૬૭૦ કંપનીઓની તૈનાતીને મંજૂરી આપી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી સુરક્ષા જમાવટ માનવામાં આવે છે. આ નિર્ણય ગત વર્ષે પહેલગામ ક્ષેત્રમાં થયેલા આતંકી હુમલા અને સરહદ પારથી મળી રહેલા ઈનપુટ્સ બાદ લેવાયો છે. યાત્રામાં અંદાજિત ૨ લાખ જેટલા સુરક્ષા જવાનો તૈનાત રહેશે, જેમાં આઈટીબીપી અને સીઆરપીએફના જવાનોની મુખ્ય ભૂમિકા રહેશે.

 

સુરક્ષા એજન્સીઓ માને છે કે પહેલગામ અને બાલટાલ રૂટ પર આતંકીઓ ખતરો ઊભો કરી શકે છે. આથી, બંને માર્ગો પર એન્ટી-સબોટાજ ચેકિંગ, ડ્રોન મોનિટરિંગ, ફેસ રેકગ્નિશન કેમેરા, હાઈવે પેટ્રોલિંગ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. દરેક યાત્રાળુઓ માટે આરએફઆઈડી ટ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત બનાવાઈ છે, જેથી દરેક ભક્તનું લોકેશન ટ્રેક કરી શકાય. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ચેકપોસ્ટ અને મોબાઈલ બંકરો ઉભા કરવામાં આવશે.

 

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ સુરક્ષા એજન્સીઓને યાત્રા દરમિયાન 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવા કડક સૂચના આપી છે. તેમણે યાત્રા માર્ગો પર સુરક્ષા કવચ વધુ મજબૂત કરવા અને સ્થાનિક વહીવટી તંત્ર તથા સુરક્ષા દળો વચ્ચે બહેતર સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદી સંગઠનોની ગતિવિધિઓ ભલે ચાલુ હોય, પરંતુ વ્યાપક સુરક્ષા વ્યવસ્થાને પગલે શ્રદ્ધાળુઓએ ગભરાવાની કોઈ જરૂર નથી અને યાત્રા સુરક્ષિત રીતે સંપન્ન થશે.

(4:54 PM IST)