<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અમરનાથ યાત્રા 2026: જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રનું કડક વલણ; રજિસ્ટ્રેશન અને સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન કરવા યાત્રિકોને તાકીદ

​પરમિટમાં દર્શાવેલી તારીખે જ યાત્રા કરવા આદેશ: દૈનિક મર્યાદા અમલી, તત્કાલ રજિસ્ટ્રેશનમાં મર્યાદિત સંખ્યાના કારણે વહેલા તે પહેલાંના ધોરણે મળશે મંજૂરી

​જમ્મુ-કાશ્મીર: પવિત્ર અમરનાથ યાત્રા 2026 માટે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે વહીવટીતંત્રે તમામ યાત્રિકોને રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સુરક્ષાના નિયમોનું અક્ષરશઃ પાલન કરવાની કડક સૂચના આપી છે.

​વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે પણ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા જવા માંગતા હોય, તેમણે ફરજિયાતપણે તેમના પરમિટ કાર્ડ પર જે તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તે જ તારીખે યાત્રા શરૂ કરવી. નિયત તારીખ સિવાયના સમયે પહોંચતા યાત્રિકોને પ્રવેશ આપવામાં આવશે નહીં, જેથી ભક્તોએ તેમની મુસાફરીનું આયોજન પરમિટ મુજબ જ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

​સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના હેતુથી યાત્રાના રૂટ પર દરરોજ કેટલા શ્રદ્ધાળુઓ પ્રવેશ કરી શકશે તેની દૈનિક મર્યાદા (ડેઈલી કેપ) અગાઉની જેમ જ યથાવત રાખવામાં આવી છે. આ મર્યાદાનું કડક પાલન કરવા માટે વહીવટીતંત્ર સજ્જ છે. આ ઉપરાંત, જે ભક્તો અગાઉથી નોંધણી કરાવી શક્યા નથી તેમના માટે 'તત્કાલ' રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ તેમાં પણ સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. તત્કાલ રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ઉપલબ્ધતાને આધીન હોવાથી ભક્તોને વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

​વહીવટીતંત્રે તમામ યાત્રિકોને સહકાર આપવા અપીલ કરતા જણાવ્યું છે કે, યાત્રાના સુચારુ સંચાલન અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આ નિયમો અનિવાર્ય છે, તેથી કોઈએ પણ નિયમભંગ કરવો નહીં.

(1:50 PM IST)