<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ઓપરેશન સિંદૂરના શહીદોનું સન્માન છુપાવવાના આરોપો પાયાવિહોણા: સંરક્ષણ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ

કોંગ્રેસના આક્ષેપો બાદ મંત્રાલયની આકરો ખુલાસો, કહ્યું- દેશના વીર સપૂતોને યોગ્ય સન્માન અપાતા જ રહ્યા છે

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂરના છ શહીદ સૈનિકોના બલિદાનને સરકારે એક વર્ષ સુધી છુપાવ્યું હોવાના કોંગ્રેસના આરોપોને સંરક્ષણ મંત્રાલયે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સૈનિકોની શહાદતનું દેશ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને આ આક્ષેપો માત્ર રાજકીય પ્રેરાઈત હોઈ શહીદોના પરિવારોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આ વિવાદ કોંગ્રેસ નેતા પવન ખેરાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ઉભો થયો હતો, જેમાં તેમણે સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

મંત્રાલયે પુરાવા સાથે જણાવ્યું હતું કે ૧૧ મે, ૨૦૨૫ ના રોજ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે જાહેરમાં આ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ શૌર્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે પરેડ દરમિયાન અને અન્ય સત્તાવાર સમારોહમાં તેમના પરિવારજનોને સેના મેડલ અર્પણ કરવામાં આવ્યા છે. મંત્રાલયના મતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની દિવાલ પર શહીદોના નામ અંકિત કરવાની ચોક્કસ પ્રક્રિયા અનુસરવામાં આવી છે, જે ગૌરવપૂર્ણ છે.

ઓપરેશન સિંદૂરમાં સુબેદાર મેજર પવન કુમાર, રાઇફલમેન સુનીલ કુમાર, લાન્સ નાયક દિનેશ કુમાર, અગ્નિવીર મૂદ મુરલી નાયક, હવાલદાર સુનીલ કુમાર સિંહ અને વાયુસેના સાર્જન્ટ સુરેન્દ્ર કુમારે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. ગયા વર્ષે એપ્રિલમાં થયેલા પહેલગામ આતંકવાદી હુમલાના વળતા જવાબમાં આ વીર જવાનોએ દુશ્મનોને જડબાતોડ જવાબ આપીને દેશની સુરક્ષા માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હતું. તેમના નામો દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે અને રહેશે.

આ વિવાદને સમાપ્ત કરવા માટે સંરક્ષણ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું છે કે આવા ખોટા સમાચારોથી સુરક્ષા દળોનું મનોબળ નબળું પડે છે. ભવિષ્યમાં પણ સરકાર દ્વારા શહીદોના સન્માન અને તેમના પરિવારોની સુરક્ષા માટે અવિરત પ્રયાસો ચાલુ રહેશે. હવે આ બાબતે વધુ કોઈ રાજકીય ચર્ચા કરવાને બદલે સમગ્ર દેશમાં શહીદોના આદરને સર્વોપરી ગણવામાં આવશે, જેથી તેમના બલિદાનની ગરિમા જળવાઈ રહે.

(1:16 PM IST)