<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

અલ્હાબાદ હાઇકોર્ટનો ઐતિહાસિક અને આક્રોશપૂર્ણ ચુકાદો: "પર્સનલ લોના નામે મહિલાઓનું જાતીય શોષણ નહીં ચલાવાય, હલાલા એ ધર્મ નહીં પણ સુનિયોજિત 'ગેંગરેપ' છે!"

૧૫ વર્ષની માસૂમ બાળકીને 'ડબલ હલાલા' ના નામે નરકમાં ધકેલનારા પૂર્વ પતિ, કાકા અને મૌલાનાની અરજીઓ ફગાવી; હાઈકોર્ટે પ્રથાને ગણાવી સમાજનું કાળું કલંક

પ્રયાગરાજ (અલ્હાબાદ), તા.૦૩: નિકાહ, હલાલા અને ટ્રિપલ તલાક જેવા કુરિવાજો પર અલ્હાબાદ હાઇકોર્ટે અત્યાર સુધીની સૌથી તીખી અને ઐતિહાસિક ટિપ્પણી કરી છે. દેશના ન્યાયતંત્રના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્ટે ખુલ્લા શબ્દોમાં સ્વીકાર્યું છે કે વ્યક્તિગત કાયદાઓ (પર્સનલ લો) ની આડમાં કોઈ પણ ધર્મના નામે મહિલાઓનું શારીરિક શોષણ કરવાની મંજૂરી આપી શકાય નહીં. હાઇકોર્ટે આ પ્રથાઓને બંધારણીય મૂલ્યો, લિંગ સમાનતા અને માનવીય ગૌરવની સંપૂર્ણપણે વિરૂદ્ધ ગણાવી છે. કોર્ટે કડક લહેજામાં કહ્યું કે, આવા કૃત્યો માત્ર કાયદાકીય રીતે જ જઘન્ય ગુના નથી, પરંતુ તે આખા સમાજના આત્માને હચમચાવી મૂકે તેવા પાપ સમાન છે.
જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની ડિવિઝન બેન્ચે એક સગીરા પર થયેલા અત્યાચારના કેસની સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે. કોર્ટે પીડિતાના પૂર્વ પતિ, તેના કાકા અને ફતવો આપનારા મૌલાના સહિતના તમામ આરોપીઓની એ અરજીઓને કચરાપેટીમાં નાખી દીધી, જેમાં તેમણે પોતાની ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી હતી. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી દેશનો ફોજદારી કાયદો પરવાનગી ન આપે, ત્યાં સુધી કોઈ પણ ગુનામાં પર્સનલ લોની દલીલ સ્વીકારી શકાય નહીં. પ્રથમ નજરે આ કેસ ધાર્મિક વિધિનો નહીં, પરંતુ એક સગીર બાળકી પર આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલો સામૂહિક બળાત્કાર (ગેંગરેપ) છે.
૧૫ વર્ષની બાળકી પર અત્યાચારની કંપારી છૂટી જાય તેવી કહાની
આ હૃદયદ્રાવક કિસ્સો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સૈદનાગલી વિસ્તારનો છે. ૧૫ વર્ષની માસૂમ ઉંમરે પીડિતાના લગ્ન બળજબરીથી અઝહર નવાઝ નામના શખ્સ સાથે કરાવી દેવાયા હતા. લગ્નના ગણતરીના મહિનાઓમાં જ પતિએ તેને ક્રૂરતાપૂર્વક 'ત્રણ તલાક' આપી ઘરબાર વગરની કરી મૂકી. થોડા સમય બાદ જ્યારે પૂર્વ પતિને પસ્તાવો થયો અને તેણે ફરી લગ્ન કરવા ઈચ્છ્યા, ત્યારે આ માસૂમ બાળકીને ઇસ્લામિક પ્રથા 'નિકાહ હલાલા' ના નામે મૌલાના કયુમ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરાઈ. મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં પીડિતાએ રડતા રડતા કહ્યું હતું કે, "ત્યારે હું માત્ર ૧૬ વર્ષની હતી, મને હલાલા શબ્દનો અર્થ પણ ખબર નહોતી અને ધર્મના નામે મારો બળાત્કાર કરાયો હતો."
નરકની પરાકાષ્ઠા: 'ડબલ હલાલા' ના નામે ફરી લૂંટાયું કૌમાર્ય!
હલાલાની પીડા સહન કર્યા બાદ પતિએ તેની સાથે ફરી નિકાહ કર્યા, પરંતુ ચાર વર્ષ પછી ફરીથી છૂટાછેડા આપી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. કૌભાંડની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે તેની બીજી પત્નીથી કોઈ બાળક ન થયું, એટલે પાપી પૂર્વ પતિની નજર ફરી આ પીડિતા પર બગડી. તેણે પોતાના પરિવાર સાથે મળીને દલીલ કરી કે તેના બે વાર લગ્ન તૂટ્યા હોવાથી આ વખતે તેણે 'ડબલ હલાલા' (બીજી વાર હલાલા) કરાવવી પડશે.
આ ઘૃણાસ્પદ ષડયંત્રના ભાગ રૂપે, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ મુખ્ય આરોપીના ભાઈ અને ભત્રીજાઓએ આ પીડિતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને તે જ સાંજે તેના નકલી નિકાહ કરાવી દીધા. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની ભયાનકતા અને ગંભીરતાને ધ્યાને રાખીને આદેશ આપ્યો છે કે, બાળપણથી જ ધર્મના નામે જે રીતે આ દીકરીનું શોષણ થયું છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરાશે અને નરાધમોને જેલના સળિયા પાછળ સડવા દેવામાં આવશે, કોઈને પણ રાહત નહીં મળે.

(4:23 PM IST)