તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ : બેવડી નાગરિકતાના વિવાદમાં રાયબરેલી પોલીસને ગુનો દાખલ કરવા નિર્દેશ
બ્રિટિશ નાગરિક હોવાના આક્ષેપોની તપાસ કરવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ : રાજ્ય સરકાર પોતે તપાસ કરે અથવા કેન્દ્રીય એજન્સીને કેસ સોંપે તેવો લખનૌ બેન્ચનો ઐતિહાસિક ચુકાદો

લખનૌ : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આજે એક મહત્વપૂર્ણ આદેશ આપતા રાયબરેલી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનને રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવા નિર્દેશ આપ્યો છે. આ કેસ રાહુલ ગાંધી પાસે ભારતની સાથે બ્રિટનની પણ નાગરિકતા હોવાના ગંભીર આક્ષેપો સાથે જોડાયેલો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે આ પ્રકારના આક્ષેપોની તપાસ થવી અનિવાર્ય છે.
નીચલી અદાલતનો નિર્ણય રદ, તપાસના દ્વાર ખુલ્યા:
આ આદેશ ભાજપના કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે. અગાઉ ૨૮ જાન્યુઆરીના રોજ લખનૌની સ્પેશિયલ MP/MLA કોર્ટે આ મામલે એફઆઈઆર નોંધવાની અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે નાગરિકતા સંબંધિત મુદ્દાઓ પર નિર્ણય લેવાની સત્તા તેમની પાસે નથી. જોકે, હાઈકોર્ટે આ આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતા નીચલી અદાલતના નિર્ણયને ફગાવી દીધો છે અને ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો છે કે તેઓ પોતે આ મામલે તપાસ કરે અથવા કોઈ કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપે.
બ્રિટિશ સરકારના દસ્તાવેજો અને ઈમેઈલનો દાવો:
કર્ણાટકના રહેવાસી અરજદારે કોર્ટમાં દાવો કર્યો છે કે તેમની પાસે બ્રિટિશ સરકારના એવા દસ્તાવેજો અને ઈમેઈલ છે જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. અરજીમાં એવો તર્ક આપવામાં આવ્યો છે કે જો રાહુલ ગાંધી વિદેશી નાગરિકતા ધરાવતા હોય, તો તેઓ ભારતમાં ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠરે છે અને લોકસભાના સભ્ય પદે રહી શકે નહીં. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટની ગંભીર કલમો હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે.
કેસનો ઘટનાક્રમ અને કાયદાકીય પ્રક્રિયા:
આ વિવાદની શરૂઆત રાયબરેલીની સ્પેશિયલ MP/MLA કોર્ટથી થઈ હતી, જે બાદ ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ હાઈકોર્ટે આ કેસને લખનૌ ટ્રાન્સફર કર્યો હતો. લખનૌ કોર્ટે અરજી ફગાવતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હવે હાઈકોર્ટે સીધો પોલીસને એફઆઈઆર નોંધવાનો આદેશ આપતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. જો તપાસમાં આ પુરાવાઓ સાચા સાબિત થાય તો રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય અને સાંસદ પદ પર મોટું જોખમ આવી શકે છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ કેસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
