<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

આઝમ ખાન અને અબ્‍દુલ્લા આઝમને અલ્‍હાબાદ હાઇકોર્ટની રાહતઃ જામીન અરજીઓ મંજૂર

બે પાન કાર્ડ કેસમા ચુકાદો

 

 

પ્રયાગરાજ, તા.૨૯: સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાન તેમજ તેમના પુત્ર અબ્‍દુલ્લા આઝમ માટે કાનૂની જંગ વચ્‍ચે એક અત્‍યંત રાહતના સમાચાર સામે આવ્‍યા છે. ચર્ચિત બે પાન કાર્ડ ધરાવવાના ગંભીર કેસમાં અલ્‍હાબાદ હાઇકોર્ટે પિતા-પુત્ર બંનેની જામીન અરજીઓ મંજૂર કરી દીધી છે. જસ્‍ટિસ સમિત ગોપાલની સિંગલ બેન્‍ચે તમામ પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ અગાઉ ૧૫ ઓક્‍ટોબરે પોતાનો ચુકાદો અનામત રાખ્‍યો હતો, જે આજે જાહેર કરવામાં આવતા સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો મોજો ફરી વળ્‍યો છે.

આ હાઈપ્રોફાઈલ કેસની વિગત મુજબ, આઝમ ખાન અને અબ્‍દુલ્લા આઝમ પર અલગ-અલગ જન્‍મ તારીખોનો ઉપયોગ કરીને બે અલગ-અલગ PAN કાર્ડ મેળવવાનો અને તેનો ઉપયોગ ચૂંટણી ઉમેદવારી પત્રો દાખલ કરતી વખતે કરવાનો ગંભીર આરોપ હતો. નીચલી અદાલતે આ કેસમાં બંનેને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી, જેને પડકારતી રિવિઝન અરજીઓ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. હાઇકોર્ટે દોષિત ઠેરવવાના આદેશ, સજાની મોકૂફી અને વચગાળાના જામીન મેળવવા અંગેની આ અરજીઓ પર લાંબી કાનૂની સુનાવણી હાથ ધરી હતી.

અદાલતમાં આઝમ ખાન તરફથી દેશના દિગ્‍ગજ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડૉ.અભિષેક મનુ સિંઘવી, એન.આઈ. જાફરી અને એડવોકેટ શાશ્વત આનંદે ધારદાર રજૂઆતો કરી હતી. સામે પક્ષે રાજ્‍ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ અનૂપ ત્રિવેદી અને એડિશનલ ગવર્નમેન્‍ટ એડવોકેટ પરિતોષ કુમાર માલવિયાએ સરકારનો પક્ષ રાખ્‍યો હતો. આઝમ ખાન પરિવાર માટે આ નિર્ણય કાનૂની રીતે મોટો વિજય માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ આદેશથી તેમની સજા સ્‍થગિત થવાની સાથે જેલમાંથી બહાર આવવાના દરવાજા ખુલી ગયા છે.

(3:08 PM IST)