તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
મુંબઈમાં આકાશી આફતથી હાહાકાર વચ્ચે સોમવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ : રનવે ૧ કલાક બંધ રહેતાં ૧૦૦૦ જેટલી ફ્લાઈટ્સ પ્રભાવિત : કુર્લામાં વૃક્ષ પડતાં વૃદ્ધનું મોત
અવિરત મુસળધાર વરસાદને પગલે હવામાન વિભાગનું રેડ એલર્ટ યથાવત : ૯૦% થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી અને ઈન્ડિગોની ૪ સેવાઓ રદ : તંત્રની નબળી કામગીરી મુદ્દે કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડના ભાજપ પર આકરા પ્રહારો

મુંબઈ: મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે ખાબકેલા ભારે વરસાદ અને ફૂંકાયેલા જોરદાર પવનોએ ભારે વિનાશ વેર્યો છે. આ આકાશી આફતના કારણે સમગ્ર મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેને પગલે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે સોમવારે મુંબઈની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજીતરફ વિમાની સેવાઓને વ્યાપક અસર પહોંચી છે અને કુર્લા વિસ્તારમાં એક મોટી દુર્ઘટનામાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મુંબઈની ચોમાસા પૂર્વેની તૈયારીઓને લઈને હવે સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે અને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે.
૧ કલાક સુધી રનવે ઓપરેશન સસ્પેન્ડ કરાયું:
ભારે વરસાદ અને ૪૨ નોટ્સની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન તેમજ નબળી વિઝિબિલિટીના કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે ૧૦:૧૭ થી ૧૧:૧૭ વાગ્યા સુધી રનવે કામગીરી સંપૂર્ણપણે સ્થગિત કરવી પડી હતી. એરપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું કે મુસાફરો, વિમાનો અને ગ્રાઉન્ડ સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કડક નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો. ૧ કલાક બાદ સ્થિતિ થોડી થાળે પડતાં સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવી હતી.
ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાયા: હજારો મુસાફરો અટવાયા:
આ એક કલાકના વિક્ષેપના કારણે એરપોર્ટ પર ફ્લાઈટ્સના વિલંબનો મોટો આંકડો નોંધાયો હતો. ફ્લાઈટરાડાર૨૪ ના આંકડા મુજબ, મુંબઈથી ટેક-ઓફ કરનારી અંદાજે ૯૦% ફ્લાઈટ્સ સરેરાશ ૬૫ થી ૭૫ મિનિટ જેટલી મોડી પડી હતી, જ્યારે લેન્ડિંગ કરનારી ૪૫% થી ૬૨% ફ્લાઈટ્સ નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી હતી. એર ટ્રાફિક કંટ્રોલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ એરપોર્ટ રોજની ૯૮૦ થી ૧૦૦૦ ફ્લાઈટ્સ હેન્ડલ કરે છે, જેમાં દર કલાકે સરેરાશ ૪૮ એરક્રાફ્ટની મુવમેન્ટ (૨૪ અરાઈવલ અને ૨૪ ડિપાર્ચર) થાય છે. આ વિક્ષેપથી હજારો પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા.
ઈન્ડિગોની ૪ ફ્લાઈટ્સ રદ અને ૧૩ ડાયવર્ટ કરાઈ:
ખરાબ હવામાનના કારણે અલગ-અલગ એરલાઈન્સની ૧૩ ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી, જે બાદમાં સ્થિતિ સુધરતા મુંબઈ પરત ફરી સલામત લેન્ડ થઈ હતી. જોકે, પ્રતિકૂળ સંજોગોને લીધે ઈન્ડિગોની ૪ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં દિલ્હી-મુંબઈ (6E 395), મુંબઈ-ઈન્દોર (6E 5273), ઈન્દોર-મુંબઈ (6E 552) અને મુંબઈ-દિલ્હી (6E 6613) નો સમાવેશ થાય છે. ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું હતું કે તેઓ હવામાન પર સતત નજર રાખી રહ્યા છે.
કુર્લામાં વૃક્ષ દુકાન પર પડતાં વૃદ્ધનું કરુણ મોત:
આ અવિરત વરસાદે કુર્લા પશ્ચિમ વિસ્તારમાં એક નાગરિકનો ભોગ લીધો છે. કુર્લા વેસ્ટના કામાની ખાતે આવેલી હિન્દી બીએમસી સ્કૂલની નજીક ગોમેસ ગાઉન બિલ્ડિંગ પાસે બપોરે અંદાજે ૧૨:૪૦ વાગ્યે એક વિશાળ વૃક્ષ અચાનક બાજુની દુકાન પર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના સમયે ત્યાં હાજર ૬૩ વર્ષીય વૃદ્ધ યુનુસ કુંડાવાલા વૃક્ષ નીચે દબાઈ જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ફૌઝિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ચોમાસાની નબળી કામગીરી મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહારો:
આ વરસાદી હોનારતે મુંબઈના નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલી નાખતા રાજકારણ ગરમાયું છે. મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડ દ્વારા સત્તાધારી ભાજપ સરકાર પર આકરા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ શિવસેના સાથે ગઠબંધનમાં રહીને છેલ્લા ૨૫ વર્ષથી અને ૨૦૨૨ થી ચૂંટણી યોજાયેલી ન હોવાથી પ્રશાસક મારફતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પર આડકતરી રીતે શાસન કરી રહ્યું છે, તેથી મુંબઈની આ દુર્દશા માટે તે પોતાની જવાબદારીમાંથી નાસી છૂટી શકે નહીં.
વર્ષા ગાયકવાડ દ્વારા વધુમાં આક્ષેપ કરાયો કે ભાજપે મુંબઈને લૂંટીને પોતાની તિજોરીઓ ભરી છે. બીએમસી દર વર્ષે ગટર સફાઈ (ડીસીલ્ટીંગ) પાછળ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો ધુમાડો કરે છે અને ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ હોવાના દાવા કરે છે, છતાં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ કેમ પાણીમાં ડૂબી જાય છે? વૃક્ષો કેમ ધરાશાયી થાય છે અને ટ્રાફિક વ્યવસ્થા કેમ ખોરવાય છે? તેમણે કટાક્ષ કરતાં ઉમેર્યું કે, અહીંના મેયર માત્ર રીલ્સ બનાવવામાં વ્યસ્ત દેખાય છે અને મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ નક્કર કામગીરી કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે.
હવામાન વિભાગનું રેડ એલર્ટ, દેશના અન્ય રાજ્યોમાં પણ એલર્ટ:
ચોમાસું સમગ્ર દેશમાં આક્રમક બન્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ માટે હજુ પણ 'રેડ એલર્ટ' યથાવત રાખવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આગામી સમયમાં મુંબઈમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. મુંબઈ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે, જ્યારે કેરળ, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યો માટે પણ હવામાન વિભાગ દ્વારા વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
