<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

પાંચ વર્ષમાં ગરમીના બધા રેકોર્ડ તૂટી શકેઃ UN રિપોર્ટે ચિંતા વધારી

આર્કટિક ક્ષેત્રના તાપમાનમાં વિશ્વના અન્‍ય ભાગોની તુલનામાં ઘણો વધારો થઇ શકે, હવામાનની સ્‍થિતિ ખતરનાક બની શકે : પેરિસ સંધિમાં નિર્ધારિત મર્યાદા પાર થવા પર દુષ્‍કાળ, હીટવેવ અને વાવાઝોડા જેવી ઘટનાઓમાં વધારો જોવા મળી શકે છે

સંયુક્‍ત રાષ્‍ટ્ર,તા.૨૯: સંયુક્‍ત રાષ્ટ્રની હવામાન એજન્‍સી અને બ્રિટનના હવામાન વિભાગ મેટ ઓફિસના નવા રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આવનારા પાંચ વર્ષમાં દુનિયાનું સરેરાશ તાપમાન રેકોર્ડ સ્‍તરની નજીક પહોંચી શકે છે. રિપોર્ટ મુજબ, આર્કટિક ક્ષેત્રમાં તાપમાન દુનિયાના બાકીના હિસ્‍સાની સરખામણીમાં ઘણી ઝડપથી વધશે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક સરેરાશ તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્‍તર એટલે કે ૧૮૫૦-૧૯૦૦ની સરેરાશ કરતા ૧.૩ ડિગ્રી સેલ્‍સિયસથી ૧.૯ ડિગ્રી સેલ્‍સિયસ સુધી વધારે રહી શકે છે. બ્રિટનની મેટ ઓફિસના વૈજ્ઞાનિક મેલિસા સીબુકે કહ્યું કે હવે સ્‍પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે પૃથ્‍વી સતત ગરમ થઈ રહી છે અને વૈશ્વિક તાપમાન સતત

વધી રહ્યું છે. ૨૦૧૫ની પેરિસ સંધિમાં દુનિયાના દેશોએ વચન આપ્‍યું હતું કે વૈશ્વિક તાપમાનમાં વધારો ૧.૫ ડિગ્રી સેલ્‍સિયસથી વધારે ન થાય તેવા પ્રયાસ કરાશે.. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ મર્યાદા પાર થવાથી પૂર, દુકાળ, હીટવેવ અને વાવાઝોડા જેવી આત્‍યંતિક હવામાનની ઘટનાઓ વધુ ખતરનાક બની શકે છે. નવા રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ૨૦૨૬ થી ૨૦૩૦ ની વચ્‍ચે ઓછામાં ઓછું એક વર્ષ એવું હોઈ શકે છે જ્‍યારે વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્‍સિયસની સીમાને પાર કરી જાય. રિપોર્ટમાં આ વર્ષે શિયાળા દરમિયાન મજબૂત અલ નીનો બનવાની સંભાવના પણ વ્‍યક્‍ત કરવામાં આવી છે, જે ૨૦૨૭સુધી ચાલુ રહી શકે છે. અલ નીનો પ્રશાંત મહાસાગરના મધ્‍ય અને પૂર્વ હિસ્‍સામાં સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારાની સ્‍થિતિ હોય છે.

પાંચ વર્ષમાં કોઇ વર્ષ ૨૦૨૪થી વધુ ગરમ રહી શકે

આ ઉપરાંત રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે આગામી પાંચ વર્ષોમાં કોઈ એક વર્ષ ૨૦૨૪ કરતા પણ વધારે ગરમ હોઈ શકે છે. ૨૦૨૪ને અત્‍યાર સુધીનું સૌથી ગરમ વર્ષ માનવામાં આવ્‍યું હતું. જ્‍યારે પહેલીવાર વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્‍સિયસથી ઉપર પહોંચી ગયું હતું. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ એક વર્ષ માટે ૧.૫ ડિગ્રી સીમા પાર થવાનો અર્થ એ નથી કે પેરિસ કરાર સંપૂર્ણપણે નિષ્‍ફળ ગયો છે. આ લક્ષ્ય ૨૦ વર્ષના સરેરાશ તાપમાન પર આધારિત છે. પરંતુ નિષ્‍ણાતોએ ચેતવણી આપી છે કે દુનિયા જેટલી ઝડપથી ગરમ થઈ રહી છે. આ સીમા વારંવાર પાર થવાની સંભાવના એટલી જ વધતી જશે.

આર્કટિકમાં ક્‍લાઈમેટ ચેન્‍જની સૌથી વધુ અસર

રિપોર્ટ મુજબ, આગામી પાંચ વર્ષોમાં નોર્થ પોલના આર્કટિક ક્ષેત્રમાં શિયાળાનું તાપમાન વૈશ્વિક સરેરાશ કરતા સાડા ત્રણ ગણું વધારે ઝડપથી વધી શકે છે. અહીં તાપમાન ૧૯૯૧-૨૦૨૦ ની સરેરાશ કરતા આશરે ૨.૮ ડિગ્રી સેલ્‍સિયસ વધારે રહેવાનું અનુમાન છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આર્કટિકમાં વધતી ગરમીને કારણે દરિયાઈ બરફ ઝડપથી પીગળશે. બેરેન્‍ટ્‍સ સાગર, બેરિગ સાગર અને ઓખોલ્‍સ્‍ક સાગરમાં માર્ચ મહિના દરમિયાન બરફ પીગળવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે.

ઘણા વિસ્‍તારોમાં વધુ વરસાદ, ક્‍યાંક દુકાળનો ખતરો

રિપોર્ટ અનુસાર, આગામી પાંચ વર્ષોમાં ઉત્તરીય ગોળાર્ધના ઘણા હિસ્‍સાઓમાં શિયાળા દરમિયાન વધુ વરસાદ થઈ શકે છે. ઉત્તરીય યુરોપ, અલાસ્‍કા, સાઇબિરીયા અને સાહેલ ક્ષેત્રમાં મે થી સપ્‍ટેમ્‍બર વચ્‍ચે વધુ વરસાદનું અનુમાન છે. તેનાથી વિપરીત એમેઝોન ક્ષેત્રમાં આ સમય દરમિયાન દુકાળ જેવી સ્‍થિતિ સર્જાઈ શકે છે

(10:02 AM IST)