તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરામાં દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે લાઈન પર તમામ ૧૪ પોર્ટલ બીમનું નિર્માણ સફળતાપૂર્વક પૂરું!
ગીચ વસ્તી અને ધમધમતા રેલવે ટ્રેક વચ્ચે એન્જિનિયરિંગનો અજૂબો: ૧,૫૦૦ ટન વજન ધરાવતા પોર્ટલ બીમ્સ તૈયાર થતાં ૪૦ મીટર લાંબા ગર્ડર્સ મૂકવાનો માર્ગ બન્યો સુગમ

વડોદરા, તા.૧૨: દેશના અતિમહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વડોદરા શહેર ખાતે એક અત્યંત જટિલ અને મહત્ત્વપૂર્ણ ટેકનિકલ પડાવ સફળતાપૂર્વક પાર કરી લીધો છે. ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા દિલ્હી-મુંબઈ રાજધાની મેઇન લાઇન ટ્રેકની બરાબર ઉપર તમામ ૧૪ વિશેષ પોર્ટલ બીમ્સ સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. આ સિદ્ધિથી હવે વાયાડક્ટના નિર્માણ કાર્યને અભૂતપૂર્વ ઝડપ મળશે.
વડોદરા શહેરમાંથી પસાર થતો બુલેટ ટ્રેનનો આ કોરિડોર આશરે ૮.૩ કિલોમીટર લાંબો છે, જે ભારે ગીચ વસ્તી અને સતત ચાલુ રહેતા રેલ ટ્રાફિક વચ્ચેથી પસાર થાય છે. અહીં બુલેટ ટ્રેક ભારતીય રેલવેની ૫ મુખ્ય લાઇનોને ડાયાગોનલી ક્રોસ કરે છે. દૈનિક ટ્રેન વ્યવહારને સહેજ પણ અસર પહોંચાડ્યા વિના પૂરતું વર્ટિકલ ક્લિયરન્સ મેળવવું એ એન્જિનિયરો માટે ખૂબ મોટો સવાલ હતો, જેને ઉકેલવા ખાસ ડિઝાઇનવાળા ૧૪ પોર્ટલ બીમનું આયોજન કરાયું હતું.
આ ૧૪ પોર્ટલ બીમમાંથી ૧૦ બીમ સુરત તરફ (વડોદરા સ્ટેશન અને વિશ્વામિત્રી વચ્ચે) અને ૪ બીમ અમદાવાદ તરફ (વડોદરા અને છાયાપુરી વચ્ચે) તૈયાર કરવામાં આવ્યા છે. સ્થળ પર જગ્યાની ભારે અછત અને ચાલુ રેલ ટ્રાફિકના કારણે આ બીમ્સને પ્રીકાસ્ટ પદ્ધતિને બદલે ઘટનાસ્થળે જ 'કાસ્ટ-ઇન-સિટુ' (Cast-in-situ) ટેક્નોલોજીથી તૈયાર કરાયા છે. નિર્માણ પામેલા પ્રત્યેક પોર્ટલ બીમનું વજન આશરે ૧,૫૦૦ ટન જેટલું ભારેખમ છે.
તમામ ૧૪ પોર્ટલ બીમ્સનું કામ પૂરું થતાં હવે રાજધાની લાઇન પર આશરે ૪૦ મીટર લાંબા કમ્પોઝિટ ગર્ડર્સ મૂકવાનો રસ્તો મોકળો થઈ ગયો છે. બાકીના વિસ્તારોમાં 'સ્પાન-બાય-સ્પાન' પદ્ધતિથી એલિવેટેડ વાયડક્ટ તૈયાર કરવામાં આવશે. આ ઇજનેરી કૌશલ્ય સાથે વડોદરાના રેલવે ઝોનમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું એક મોટું અને પડકારજનક સ્ટ્રક્ચરલ કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
