News of Monday, 19th October 2026
અલ્બેનિયામાં ગૃહયુદ્ધ જેવો ભયાનક માહોલ: વિપક્ષના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન સંસદ પર ફેંકાયા પેટ્રોલ બોમ્બ, સરકારી ઇમારતો આગની લપેટમાં
રાજધાની તિરાનાની સડકો બબાલના કારણે રણમેદાનમાં ફેરવાઈ; ભ્રષ્ટાચાર અને રાજકીય વિરોધીઓ સામેની કાર્યવાહીના વિરોધમાં પ્રદર્શનકારીઓએ સળગાવી નાખી મિલકતો

તિરાના : યુરોપિયન દેશ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં રાજકીય અસ્થિરતા અને જનઆક્રોશના કારણે ભારે હિંસક વાતાવરણ સર્જાયું છે. વિપક્ષી દળો દ્વારા સરકાર અને વડાપ્રધાન વિરુદ્ધ બોલાવવામાં આવેલા વિરોધ પ્રદર્શને અત્યંત ઉગ્ર અને હિંસક રૂપ ધારણ કરી લીધું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ દેશની સંસદ ભવન તરફ કૂચ કરીને તેના પર પેટ્રોલ બોમ્બ (મોલોટોવ કોકટેલ) થી હુમલો કર્યો હતો, જેના કારણે સંસદ પરિસર સહિત આસપાસની અનેક સરકારી ઇમારતોમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
રાજધાનીની સડકો પર વ્યાપેલી આ ભયાનક અરાજકતાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર અને આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વિઝ્યુઅલ્સમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે હજારોની સંખ્યામાં ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓ સડકો પર ઉતરી આવ્યા છે અને વહીવટી તંત્રના બેરિકેડ્સ તોડીને સરકારી મિલકતોને નિશાન બનાવી રહ્યા છે. શહેરમાં ચારેય તરફ સળગતી ગાડીઓ, ઇમારતોમાંથી નીકળતો કાળો ધુમાડો અને રસ્તાઓ પર વિખરાયેલો કાટમાળ ગૃહયુદ્ધ જેવી સ્થિતિનો અહેસાસ કરાવી રહ્યો છે.
વિપક્ષી નેતાઓનો આરોપ છે કે વર્તમાન સરકાર અત્યંત ભ્રષ્ટ છે અને પોતાના રાજકીય વિરોધીઓને દબાવવા માટે ન્યાયતંત્ર અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. વિપક્ષના મુખ્ય નેતાઓને જેલમાં ધકેલવાના વિરોધમાં આ પ્રદર્શન વધુ આક્રમક બન્યું છે. પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે વડાપ્રધાન તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશમાં તટસ્થ વચગાળાની સરકાર હેઠળ નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવામાં આવે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દેશની પોલીસે ભારે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક અડફેટોમાં અનેક સુરક્ષાકર્મીઓ તેમજ આંદોલનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તિરાનામાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ રાજકીય મડાગાંઠ ઉકેલાય નહીં ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની વિપક્ષે ચીમકી આપી છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
