<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

મિડ-એર આતંકી હુમલા અને વિમાનના ભયાનક ગોથા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પણ ભારતીય પાયલટે ન ગુમાવી હિંમત: ફ્લાયદુબઈ કોકપિટના સનસનાટીભર્યા ઘટસ્ફોટ સામે આવ્યા

​દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમાં ઓમાની કો-પાયલટે કંટ્રોલ છીનવી 14,000 ફીટ નીચે વિમાન ફેંકી દીધું, ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારે જીવના જોખમે કોકપિટ ડોર અનલોક કરી 174 મુસાફરોના જીવ બચાવ્યા; ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ અને પીએમ મોદીએ ‘બીજા 9/11 જેવા મહાવિનાશ’ને ટાળવા બદલ અભિનંદન આપ્યા

​દુબઈ/અબુ ધાબી:દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં મિડ-એર હવામાં સર્જાયેલા ભયાનક અને નાટકીય ઘટનાક્રમે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. કોકપિટની અંદર કટ્ટરપંથી ઓમાની કો-પાયલટ હમામ અલ-હમામી દ્વારા કરાયેલા અચાનક અને જાનલેવા હુમલા બાદ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારે બતાવેલી અસાધારણ શૌર્યતા અને સમયસૂચકતાને કારણે 174થી વધુ મુસાફરોના જીવ બચી ગયા છે. આ ઘટના અંગે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વૈશ્વિક નેતાઓએ ભારતીય કેપ્ટનની બહાદુરીના મુક્તકંઠે વખાણ કર્યા છે.

​મળતી વિગતો મુજબ, વિમાન જ્યારે હવામાં ઉડી રહ્યું હતું ત્યારે અચાનક કો-પાયલટે અક્ષમ્ય આતંકી માનસિકતા દર્શાવી મુખ્ય પાયલટ સ્મિત મચ્છાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અને સતત રક્તસ્રાવથી લથબથ સ્મિત મચ્છાર જમીન પર પછડાયા હતા. આ દરમિયાન ઉન્માદમાં આવેલા કો-પાયલટે વિમાનના નેવિગેશન સિસ્ટમ અને ઈન્સ્ટ્રુમેન્ટ્સ સાથે ચેડાં કરી ફ્લાઈટને સીધી નીચેની તરફ ધકેલી દીધી હતી. માત્ર 30 સેકન્ડના ગાળામાં વિમાન લગભગ 14,000 ફીટ નીચે ફેંકાયું હતું અને ડાઈવ કરવા લાગ્યું હતું, જેના કારણે પેસેન્જર કેબિનમાં ભયંકર અફરાતફરી મચી ગઈ હતી.

​મૃત્યુ સામે ઝઝૂમી રહેલા કેપ્ટન સ્મિત મચ્છારે આ ભયાનક ક્ષણે પણ અદભુત ધૈર્ય દાખવ્યું હતું. તેમણે ભાન ગુમાવ્યા વિના પૂરી તાકાત ભેગી કરી કોકપિટનો દરવાજો અંદરથી અનલોક કરી દીધો હતો. દરવાજો ખુલતાની સાથે જ કેબિનમાંથી ઈઝરાયેલી મુસાફર યાનીવ હાયુન સહિતના અન્ય પેસેન્જરો અને એરક્રાફ્ટના ક્રૂ મેમ્બરો તાત્કાલિક કોકપિટમાં ધસી ગયા હતા. મુસાફરોએ કંટ્રોલ પેનલ પર કબજો જમાવી બેઠેલા આતંકી માનસિકતા ધરાવતા કો-પાયલટને કાબૂમાં લીધો હતો. આ દરમિયાન વિમાનમાં જ મુસાફરી કરી રહેલા અન્ય ઓફ-ડ્યુટી રિઝર્વ પાયલટોએ તરત જ વિમાનનું સ્ટીયરીંગ સંભાળી લીધું હતું અને પ્લેનને સ્ટેબિલાઈઝ કરી સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

​આ સમગ્ર ઘટના અંગે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ વિગતવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય પાયલટ સ્મિત મચ્છાર અને મુસાફરોની સમયસૂચકતાના કારણે વિશ્વમાં ‘બીજી 9/11 જેવી મોટી હોનારત’ ટળી ગઈ છે. આ એક સુનિયોજિત આતંકી ષડયંત્ર હતું કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. બીજી તરફ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત સાથે વીડિયો કોલ પર વાતચીત કરી તેમની કુશળતા પૂછી હતી અને તેમની બહાદુરીને સમગ્ર દેશ માટે ગૌરવરૂપ ગણાવી હતી.

​પ્રાથમિક સારવાર સાઉદી અરેબિયામાં આપ્યા બાદ કેપ્ટન સ્મિત મચ્છારને વધુ સારવાર અર્થે અબુ ધાબી એરલિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય અને દૂતાવાસ પાયલટના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે. ફ્લાયદુબઈ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની સુરક્ષા એજન્સીઓએ આ ઘટના અંગે આતંકવાદી એંગલથી વધુ તપાસ હાથ ધરી છે.

(12:04 PM IST)