News of Thursday, 26th November 2026
યુપી ચૂંટણી 2027 પહેલાં અખિલેશ યાદવનો મોટો રાજકીય દાવ: સપાએ 'પીડીએ કા પ્રણપત્ર' જાહેર કર્યું, રોજગાર, ખેડૂતો અને મહિલાઓ માટે 33 મુખ્ય વચનોનો પટારો
5 વર્ષમાં 25 લાખ સરકારી નોકરીઓ, બેરોજગારોને દર મહિને ₹5,000 ભથ્થું અને વૃદ્ધ મહિલા-કારીગરોને વાર્ષિક ₹40,000 પેન્શનની જાહેરાત; જાતિ વસ્તી ગણતરી, 26 હજાર પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવા અને ₹5માં ભોજન સહિતના મોટા વચનો

લખનૌ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે પાર્ટીનું ઘોષણાપત્ર ('પીડીએ કા પ્રણપત્ર' / 'જન-મન કા મેનિફેસ્ટો') જાહેર કર્યું છે. યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને PDA (પછાત, દલિત અને લઘુમતી) વર્ગને કેન્દ્રમાં રાખીને સપાએ કુલ 33 મુખ્ય વચનો રજૂ કર્યા છે, જેમાં રોજગાર, સામાજિક ન્યાય અને કલ્યાણકારી યોજનાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે સપાએ મોટી જાહેરાતો કરતા પાંચ વર્ષમાં 25 લાખ સરકારી નોકરીઓ આપવા, અન્ય ક્ષેત્રોમાં 2 થી 3 કરોડ રોજગાર ઊભા કરવા અને નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગાર યુવાનોને દર મહિને ₹5,000 ભથ્થું આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, સમયસર ભરતી-નિમણૂક, દર 3 થી 6 મહિને પરીક્ષા, પેપર લીક માટે મંત્રીઓ-અધિકારીઓની જવાબદારી, શહેરી રોજગાર ગેરંટી કાયદો, કૌશલ્ય વિકાસ અને રહેણાંક છાત્રાલયો બનાવવાની વાત કહેવાઈ છે. શિક્ષણમાં રાજ્ય શિક્ષણ નીતિ, 26 હજાર પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવા અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની યોજના (હાલની ટેબ્લેટ યોજના બંધ કરીને) જાહેર કરવામાં આવી છે.
સામાજિક ન્યાય અને મહિલા-વૃદ્ધ કલ્યાણ હેઠળ સપાએ રાજ્યમાં જાતિ વસ્તી ગણતરી કરાવવા, મુખ્યમંત્રીના અધ્યક્ષપદે દલિત વિકાસ બોર્ડ રચવા અને ₹50 કરોડ સુધીના સરકારી કરારોમાં PDA માટે 50% અનામત આપવાની જાહેરાત કરી છે. મહિલાઓ અને મુસ્લિમો વિરુદ્ધના જઘન્ય ગુનાઓમાં ઝીરો ટોલરન્સ, ગરીબો અને PDA માટે ₹5માં ભોજન આપતી સમાજવાદી કેન્ટીન, વૃદ્ધ મહિલાઓ તથા વૃદ્ધ કારીગરોને વાર્ષિક ₹40,000 પેન્શન, વૃદ્ધાશ્રમ અને ક્લબ, મહિલાઓ માટે અલગ યોજનાઓ તેમજ આંગણવાડી અને આશા કાર્યકરો માટે યોજનાઓનો સમાવેશ થાય છે.
ખેડૂતો અને અન્ય વર્ગો માટે સપાએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાનૂની ગેરંટી, બટાકા-ટામેટાં-ડુંગળી માટે ભાવ વળતર, ખેડૂતોની લોન માફી, ગ્રામીણ વિસ્તારો માટે ₹1.5 લાખ કરોડની જોગવાઈ અને શેરડીના ખેડૂતો માટે ₹15,000 કરોડના ભંડોળમાંથી 24 કલાકમાં ચુકવણી તથા દર વર્ષે ભાવવધારાનું વચન આપ્યું છે. આ સાથે યશભારતી પુરસ્કારો ફરી શરૂ કરવા, ગંગા-જમુની સંસ્કૃતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને Gen-Z તથા Gen-Alpha માટે વિશેષ વચનો પણ ઘોષણાપત્રમાં સામેલ કરાયા છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
