News of Saturday, 19th September 2026
IIT રૂરકીના દીક્ષાંત સમારોહમાં અજીત ડોભાલે સંભળાવી કરિયરની યાદગાર ઘટના: 'મને લાગ્યું કે મારી કારકિર્દીનો અહીં જ અંત આવી ગયો...'
સિક્કિમમાં બોર્ડર ઈન્ટેલિજન્સ દરમિયાન ચીની સેનાએ ટીમ કબજે કરી લેતાં સર્જાઈ હતી કટોકટી: નકશાની ભૂલ ખુલ્લી પડતાં નિર્દોષ છૂટેલા NSAએ યુવાનોને આપ્યો સ્પષ્ટ દિશાનો માર્ગદર્શક મંત્ર

રૂરકી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે શનિવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રૂરકીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે ડિગ્રી મેળવી રહેલા દેશના તેજસ્વી યુવાનોને સંબોધિત કરતી વખતે તેમણે પોતાની કારકિર્દીના શરૂઆતી તબક્કાનો એક અત્યંત રોમાંચક અને તણાવપૂર્ણ કિસ્સો શેર કર્યો હતો, જે એક સમયે તેમના માટે સરકારી સેવા અને કારકિર્દીનો પૂર્ણવિરામ સાબિત થઈ શકે તેમ હતો.
અજીત ડોભાલે વિગત આપતાં જણાવ્યું કે, જ્યારે તેઓ આશરે ૨૦ વર્ષની ઉંમરે નવા IPS અધિકારી તરીકે ઇન્ટેલિજન્સ સર્વિસમાં જોડાયા હતા, ત્યારે તેમની પ્રથમ મહત્વની પોસ્ટિંગ સિક્કિમમાં ઈન્ટેલિજન્સ ઈનચાર્જ તરીકે થઈ હતી. એ સમયે સિક્કિમ ભારત સાથે જોડાવાની પ્રક્રિયામાં હતું અને તેમની પ્રાથમિક જવાબદારી બોર્ડર સિક્યોરિટીનું મોનિટરિંગ કરવાની તથા ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની ગતિવિધિઓ પર નજર રાખવાની હતી. આ દરમિયાન બોર્ડર નજીક મોકલેલી એક સ્પેશિયલ ઈન્ટેલિજન્સ ટીમ નિયત પદ દિવસના બદલે ૧૫ દિવસ સુધી પરત ન ફરતાં ગંભીર કટોકટી સર્જાઈ હતી. બાદમાં હેડક્વાર્ટર મારફતે જાણવા મળ્યું કે આખી ટીમ ચીની સેનાના કબજામાં છે, જેને રાજદ્વારી વાટાઘાટો બાદ મુક્ત કરાવાઈ હતી.
તપાસમાં ખુલી હેડક્વાર્ટરના નકશાની ભૂલ, છૂટ્યો હાશકારો
આ ગંભીર સુરક્ષા ચૂક બદલ ડોભાલ સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તે સમયની પરિસ્થિતિ યાદ કરતાં ડોભાલે કહ્યું, "મને લાગ્યું કે મારી કારકિર્દી અહીં જ પૂરી થઈ ગઈ છે અને મારે હવે શૂન્યથી નવી શરૂઆત કરવી પડશે." જોકે, ઊંડાણપૂર્વકની વિભાહગીય તપાસના અંતે સ્પષ્ટ થયું કે તેમની કોઈ જ ભૂલ નહોતી. હેડક્વાર્ટર તરફથી જ પૂરા પાડવામાં આવેલા નકશા અને સ્કેચમાં ગંભીર ત્રુટિઓ હતી, જેના કારણે ટીમ દિશા ભૂલીને ચાઇનીઝ ક્ષેત્રમાં પહોંચી ગઈ હતી. યુવા એન્જિનિયરોને પ્રેરણા આપતાં NSA ડોભાલે ઉમેર્યું કે વર્તમાન યુગ તકોથી ભરેલો છે અને જો જીવનમાં તમારો 'મેપ' અને દિશા સ્પષ્ટ હશે તો કોઈ પણ મુશ્કેલી તમને સફળ થતાં અટકાવી શકશે નહીં.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
