તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
એરટેલનો ધમાકો: માત્ર ₹469માં મળશે 84 દિવસની લાંબી વેલિડિટી! મોંઘા રિચાર્જથી પરેશાન ગ્રાહકો માટે કંપનીએ ઉતાર્યો સૌથી સસ્તો ‘વોઈસ’ પ્લાન
સેકન્ડરી સિમ કાર્ડ એક્ટિવ રાખવા માંગતા યુઝર્સ માટે સોનામાં સુગંધ ભળે તેવી ઓફર: અનલિમિટેડ કોલિંગ અને ફ્રી રોમિંગ સાથે મળશે એડોબ એક્સપ્રેસનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન

રાજકોટ: ટેલિકોમ સેક્ટરમાં વધતી જતી સ્પર્ધા વચ્ચે એરટેલે તેના કરોડો યુઝર્સ માટે ખિસ્સાને પરવડે તેવો શાનદાર પ્લાન રજૂ કર્યો છે. જો તમે ડેટા કરતાં કોલિંગ અને લાંબી વેલિડિટીના વધુ શોખીન હોવ અથવા તો તમારા સેકન્ડરી સિમ કાર્ડને ઓછા ખર્ચમાં ચાલુ રાખવા માંગતા હોવ, તો એરટેલનો ₹469 વાળો પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
₹469 પ્લાન: કોલિંગના શોખીનો માટે ખાસ
એરટેલનો આ પ્રીપેડ પ્લાન પૂરા 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગની સુવિધા મળે છે. જોકે, આ એક 'વોઈસ ઓન્લી' પ્લાન છે, એટલે કે તેમાં રોજિંદો ડેટા મળતો નથી. પરંતુ કંપની આ પ્લાન સાથે કુલ 900 ફ્રી SMS અને એડોબ એક્સપ્રેસ (Adobe Express) પ્રીમિયમનું 12 મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપી રહી છે. આ સિવાય હેલોટ્યુન્સ અને સ્પામ-ફ્રી નેટવર્કનો અનુભવ પણ મળશે.
₹548 પ્લાન: થોડો ડેટા અને વધુ વેલિડિટી
જે ગ્રાહકોને કોલિંગની સાથે થોડા ડેટાની પણ જરૂર છે, તેમના માટે એરટેલે ₹548નો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં પણ 84 દિવસની વેલિડિટી મળે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ અને 900 SMSની સાથે કુલ 7 GB હાઈ-સ્પીડ ડેટા પણ આપવામાં આવે છે. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે છે જેમને વોટ્સએપ અથવા સામાન્ય બ્રાઉઝિંગ માટે થોડા ડેટાની જરૂર પડતી હોય છે.
TRAIના નિર્દેશો બાદ લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના નિર્દેશો પછી કંપનીઓએ આવા લાંબી વેલિડિટીવાળા સસ્તા પ્લાન્સ લોન્ચ કરવા પડ્યા છે. ડેટા પેક મોંઘા થતા હવે યુઝર્સ એવા રિચાર્જ શોધી રહ્યા છે જેમાં વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ ન રહે અને મોબાઈલ નંબર પણ ચાલુ રહે. એરટેલના આ નવા પગલાથી અન્ય ટેલિકોમ કંપનીઓ જેવી કે Jio અને Vi પર પણ સસ્તા પ્લાન લાવવાનું દબાણ વધશે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
