<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

આકાશી હુમલાએ સમગ્ર વિસ્તારમાં તણાવ વધાર્યો: રશિયાના ડ્રોન અને મિસાઇલના હુમલામાં યુક્રેનમાં અનેક લોકોના મોત

કિવથી ખારકીવ સુધી નુકસાન:આ હુમલા એવા સમયે થયા જ્યારે UNમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રાજદ્વારી પ્રયાસોની ચર્ચા વચ્ચે રશિયાના ભીષણ હુમલા ચાલુ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ગુરુવારે યુક્રેનના અનેક વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા હતા  યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 8 નાગરિકોના મોત થયા છે. ખારકીવ વિસ્તારમાં એક કૃષિ સ્થળ પર થયેલા હુમલામાં 6 લોકોના મોત થયા જ્યારે કિવમાં પણ 2 લોકોના મોતની માહિતી સામે આવી છે.

 

ખારકીવ વિસ્તારમાં એક ફાર્મ પર થયેલા હુમલામાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા 6 લોકોના મોત થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, રાજધાની કિવમાં રશિયન બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલામાં 2 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. યુક્રેનની વાયુસેનાના જણાવ્યા મુજબ હુમલામાં 282 ડ્રોન ઉપરાંત બેલિસ્ટિક અને અન્ય પ્રકારની મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે તેના નિશાનામાં યુક્રેનના સંરક્ષણ, લોજિસ્ટિક્સ અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલી સુવિધાઓ હતી.

 

 

કિવમાં થયેલા હુમલામાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ સહિત અનેક નાગરિક સ્થળોને નુકસાન પહોંચ્યું હોવાનું યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું છે. નુકસાનગ્રસ્ત સ્થળોમાં પ્રસૂતિ હોસ્પિટલ અને અન્ય ઈમારતોનો પણ સમાવેશ થાય છે. એક વ્યક્તિનું મોત પ્રસૂતિ હોસ્પિટલ નજીક થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. રશિયા તરફથી જોકે દાવો કરવામાં આવ્યો છે કે હુમલાનું લક્ષ્ય સૈન્ય સંબંધિત ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને કોમ્યુનિકેશન સુવિધાઓ હતી.

 

 

આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધને લઈને રાજદ્વારી પ્રયાસો અંગે ચર્ચા ચાલી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ UN મહાસભામાં રશિયા પર આર્થિક દબાણ જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે રશિયાની આવકના સ્ત્રોતો અને યુદ્ધને નાણાં પૂરા પાડતી ક્ષમતાને નિશાન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો ખતરો વધુ ગંભીર બની શકે છે.

 

યુદ્ધવિરામને લઈને બંને દેશોના વલણમાં હજુ પણ મોટો તફાવત છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે અગાઉ કહ્યું હતું કે રશિયા માત્ર અસ્થાયી યુદ્ધવિરામને બદલે લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ ઈચ્છે છે. રશિયન પક્ષનું કહેવું છે કે માત્ર થોડા સમય માટે લડાઈ રોકવાથી યુદ્ધના મૂળ પ્રશ્નોનું સમાધાન નહીં થાય. બીજી તરફ, યુક્રેન સતત રશિયન હુમલા રોકવાની અને કૂટનીતિક માર્ગે આગળ વધવાની માંગ કરી રહ્યું છે.

 

યુદ્ધ વચ્ચે યુક્રેનમાં નાગરિક જાનહાનિમાં વધારો થયો છે.આંકડા મુજબ જુલાઈ 2026માં ઓછામાં ઓછા 437 નાગરિકોના મોત થયા હતા અને 2,610 લોકો ઘાયલ થયા હતા. UN અનુસાર, માર્ચ 2022 બાદ જુલાઈમાં નાગરિક જાનહાનિનો આ સૌથી મોટો માસિક આંકડો હતો. UNના જણાવ્યા અનુસાર લાંબા અંતરના મિસાઇલ અને ડ્રોન હુમલા જુલાઈમાં નાગરિક જાનહાનિના મુખ્ય કારણોમાં રહ્યા હતા.

(11:20 PM IST)