<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

હવાઈ સફર મોંઘીઃ ઈન્‍ડિગોએ ફયુઅલ સરચાર્જમાં કર્યો વધારો

ડોમેસ્‍ટિકમાં રૂ.૧,૩૦૦ અને ઈન્‍ટરનેશનલ ફલાઈટસમાં રૂ.૧૦,૦૦૦ સુધીનો વધારો : એવિએશન ટર્બાઈન ફયુઅલની કિમતોમાં સતત વધારાને કારણે નિર્ણય લેવાયોઃ નવા દરો આવતી કાલથી લાગુ

નવી દિલ્‍હી, તા.૫: હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે એક મોટા ઝાટકા સમાન સમાચાર સામે આવ્‍યા છે કે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્‍ડિગો દ્વારા સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઇટ્‍સ માટે ઇંધણ ચાર્જમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. એવિએશન ટર્બાઇન ફયુઅલ ના ભાવોમાં સતત થઈ રહેલા વધારાના બોજને પહોંચી વળવા માટે આ ફેરફાર કરાયો છે, જે આવતીકાલે એટલે કે ૬ ઓક્‍ટોબર, ૨૦૨૬ ના રોજ રાત્રે ૧૨:૦૧ વાગ્‍યા પછી કરવામાં આવનાર તમામ નવા બુકિંગ પર સીધો લાગુ થશે. આ સમયગાળા પછી ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ હવે પહેલાં કરતા વધુ ફયુઅલ ચાર્જ ચૂકવવો પડશે, જેની સીધી અસર સામાન્‍ય -વાસીઓના પ્રવાસ બજેટ પર પડશે. નવા દરો અનુસાર ડોમેસ્‍ટિક ફ્‌લાઇટ્‍સમાં અંતરના હિસાબે ઇંધણ ચાર્જ રૂ.૩૭૫ થી લઈને રૂ.૧,૩૦૦ સુધીનો વસૂલવામાં આવશે, જેમાં અગાઉ કરતા રૂ.૧૦૦ થી રૂ.૩૫૦ સુધીનો વધારો ઝીંકાયો છે. ખાસ કરીને ૨૦૦૦ કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી અથવા ૧૦૦૧ થી ૧૫૦૦ કિલોમીટર વચ્‍ચેની ફ્‌લાઇટ્‍સ પર સૌથી મોટો વધારો જોવા મળ્‍યો છે, જ્‍યાં મુસાફરોએ પ્રતિ વ્‍યક્‍તિ રૂ.૩૫૦ સુધી વધુ ચૂકવવા પડશે. આ ગણતરી મુજબ જો ચાર સભ્‍યોનો પરિવાર એક તરફી લાંબી યાત્રા કરે છે, તો માત્ર ફયુઅલ ચાર્જના વધારા પેટે જ તેમણે આશરે રૂ.૧,૨૦૦ થી રૂ.૧,૪૦૦ સુધીની વધારાની રકમ ચૂકવવી પડી શકે છે, જો કે આ વધારો ટિકિટના મૂળ ભાડાથી બિલકુલ અલગ રહેશે. માત્ર ડોમેસ્‍ટિક જ નહીં પરંતુ આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઇટ્‍સના મુસાફરો માટે પણ ભાડાં વધુ ભારે બનશે કારણ કે રૂટ અને પ્રદેશના આધારે ઇન્‍ટરનેશનલ ફયુઅલ ચાર્જ રૂ.૩,૦૦૦ થી વધારીને સીધા રૂ.૧૦,૦૦૦ સુધી કરી દેવામાં આવ્‍યા છે. સાર્ક દેશોની ફ્‌લાઇટ્‍સ માટે ચાર્જરૂ.૧,૦૦૦ થી રૂ.૩,૦૦૦ સુધી પહોંચ્‍યો છે જ્‍યારે યુરોપ જેવા લાંબા રૂટની ફ્‌લાઇટ્‍સ માટે તે રૂ.૧૦,૦૦૦ સુધી નિર્ધારિત થયો છે.

(2:55 PM IST)