તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
એર ઇન્ડિયાને ઝટકો: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ખામીયુક્ત બિઝનેસ ક્લાસ સીટ આપવી પડી મોંઘી : કોર્ટે ફટકાર્યો ₹૨૦ લાખનો દંડ
મેરઠના નિવૃત્ત ન્યાયાધીશને ૧૫ કલાકની સફરમાં આરામદાયક સીટ ન મળતા સ્વાસ્થ્ય બગડ્યું : નેશનલ કન્ઝ્યુમર કમિશને એરલાઇન્સની બેદરકારીને સેવામાં ગંભીર ખામી ગણાવી ટિકિટના પૈસા પણ રિફંડ કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી: દેશની અગ્રણી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા ને ગ્રાહક સુરક્ષા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો અને મોંઘો આંચકો લાગ્યો છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચએ એક વરિષ્ઠ નાગરિકને ૧૫ કલાક લાંબી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ખામીયુક્ત (ન તૂટેલી કે ન નમે તેવી) બિઝનેસ ક્લાસ સીટ પૂરી પાડવા બદલ એર ઇન્ડિયા પર ₹૨૦ લાખનું આકરૂં વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કમિશને પીડિત મુસાફરને ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરવાના રાજ્ય ગ્રાહક આયોગના અગાઉના કડક નિર્ણયને પણ માન્ય રાખ્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, મોંઘા બિઝનેસ ક્લાસના પૈસા વસૂલ્યા પછી ગ્રાહકને આવી અસુવિધા આપવી એ સેવામાં ગંભીર અને અક્ષમ્ય ખામી ગણાય.
આ હાઈપ્રોફાઈલ મામલો મેરઠના રહેવાસી ૭૩ વર્ષીય નિવૃત્ત ન્યાયાધીશ રાજેશ ચંદ્રા અને તેમની પત્ની સાથે જોડાયેલો છે. ન્યાયાધીશ ચંદ્રા ૧૯૭૮ થી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અને સાયટિકા જેવી ગંભીર શારીરિક બીમારીઓથી પીડાતા હોવાથી, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી નવી દિલ્હીની લાંબી મુસાફરી આરામદાયક રહે તે માટે પ્રતિ ટિકિટ વધારાના ₹૧.૨૩ લાખ ચૂકવીને પોતાની ઇકોનોમી સીટને બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કરાવી હતી. જોકે, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ ફ્લાઇટમાં બેઠા પછી તેમને ફાળવાયેલી સીટ નંબર ૦૮ડી ખામીયુક્ત નીકળી હતી, જે પાછળ તરફ નમતી ન હતી. કેબિન ક્રૂને ફરિયાદ કરવા છતાં ફ્લાઇટ હાઉસફુલ હોવાને કારણે તેમને અન્ય કોઈ સીટ ન મળી અને આખી ૧૫ કલાકની મુસાફરી અસહ્ય પીડામાં વિતાવવી પડી હતી, જેના લીધે દિલ્હી પહોંચ્યા પછી તેમને લાંબી ઓર્થોપેડિક સારવાર અને ફિઝીયોથેરાપી કરાવી પડી હતી.
આ અન્યાય સામે ન્યાયાધીશ ચંદ્રાએ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને બાદમાં ગ્રાહક કમિશનનો દરવાજો ખખડાવ્યો હતો. ઉત્તર પ્રદેશ રાજ્ય કમિશને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેની સામે એર ઇન્ડિયાએ રાષ્ટ્રીય કમિશન (NCDRC) માં અપીલ કરી હતી. જોકે, ૧૨ જૂન, ૨૦૨૬ ના રોજ NCDRC એ એર ઇન્ડિયાની દલીલોને સદંતર ફગાવી દેતા મુકદ્દમા ખર્ચના ₹૨૦,૦૦0 સહિત ટિકિટના તમામ નાણાં વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. એરલાઇન્સ કંપનીઓ વરિષ્ઠ નાગરિકો અને તબીબી સમસ્યાઓ ધરાવતા મુસાફરો પ્રત્યે કેટલી હદ સુધી બેદરકાર હોઈ શકે છે, તેનો આ ચુકાદો દેશભરમાં એક મોટો દાખલો બેસાડશે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
