News of Sunday, 19th July 2026
એર ઈન્ડિયાની મુશ્કેલી વચ્ચે ઊંચી ઉડાન: ૧૮ મહિનામાં ૬૦ નવા વિમાનો આકાશ ગજવશે
સપ્લાય ચેઈન અને વૈશ્વિક કટોકટીના આંચકા છતાં ટાટા ગ્રૂપે પરિવર્તનનો માસ્ટરપ્લાન કર્યો તેજ : મુસાફરોને મળશે વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો નવો રોમાંચક અનુભવ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે એવિએશન સેક્ટરમાં ચાલી રહેલી ભારે કટોકટી, સપ્લાય ચેઈનની અડચણો અને ભૌગોલિક-રાજકીય તણાવના વાવાઝોડા વચ્ચે પણ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ એક નવો ઈતિહાસ રચવા તરફ કદમ વધાર્યા છે. તમામ પડકારોને માત આપીને એર ઈન્ડિયા ગ્રૂપ આગામી ૧૮ મહિનામાં પોતાના કાફલામાં ૫૦ થી ૬૦ નવા અત્યાધુનિક વિમાનો સામેલ કરવા જઈ રહ્યું છે. એર ઈન્ડિયાના આ આક્રમક મેકઓવરથી વૈશ્વિક એવિએશન માર્કેટમાં ભારતીય એરલાઇન્સનો દબદબો ભારે મજબૂત બનશે.
એર ઈન્ડિયા ગ્રૂપના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુણ અગ્રવાલે અબુ ધાબીમાં કંપનીના આ મેગા પ્લાનનો ખુલાસો કરતા જણાવ્યું કે, જૂના વિમાનોના આધુનિકીકરણ (રેટ્રોફિટિંગ) માં થઈ રહેલા વિલંબની અફવાઓ વચ્ચે કંપનીની પરિવર્તન યોજના સંપૂર્ણપણે ટ્રેક પર છે. કંપનીએ કુલ ૬૦૦ વિમાનોનો ઐતિહાસિક ઓર્ડર આપેલો છે, જે અંતર્ગત આગામી ૭ થી ૮ વર્ષ સુધી દર વર્ષે ૫૦ થી ૬૦ નવા વિમાનો ભારતીય આકાશમાં ઉડતા જોવા મળશે. આ કાફલામાં લાંબા અંતરની સફર માટેના વાઈડ-બોડી અને સ્થાનિક રૂટ્સ માટેના નેરો-બોડી વિમાનોનો સમાવેશ થાય છે.
માર્ચ ૨૦૨૬ સુધીમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ પોતાના તમામ વિમાનોને બદલીને એક સમાન આધુનિક કાફલો તૈયાર કરી લેશે. પશ્ચિમ એશિયાના સંકટને કારણે અગાઉ જે ફ્લાઈટ્સમાં ઘટાડો કરવો પડ્યો હતો, તેને પણ હવે ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. ટાટા ગ્રૂપ હવે માત્ર ફ્લાઈટ્સ સમયસર દોડે તેટલા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ગ્રાહકોના વર્તનને સુધારવા માટે સોફ્ટવેર અને સ્ટાફ ટ્રેનિંગમાં પણ મોટું રોકાણ કરી રહ્યું છે, જેથી ભારતીય મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્તરની વૈભવી અને યાદગાર સફરનો અહેસાસ કરાવી શકાય.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
