તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
સાઉદી અરેબિયા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ ૭ નવેમ્બર સુધી મુલતવી, મુસાફરો માટે ફ્રી રિબુકિંગ અને સંપૂર્ણ રિફંડની સુવિધા
મધ્ય પૂર્વમાં બગડતી સ્થિતિ વચ્ચે રિયાધ, દમ્મામ અને જેદ્દાહની વિમાન સેવાઓ સ્થગિત કરાતા પ્રવાસીઓને મોટી રાહત આપતી એરલાઇન્સ

નવી દિલ્હી : સાઉદી અરેબિયામાં સતત બગડી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે રિયાધ અને દમ્મામ જતી તેમજ ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્સ ૭ નવેમ્બર, ૨૦૨૬ સુધી સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, જેદ્દાહ સેક્ટરની ફ્લાઇટ્સ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી રદ રહેશે. જોકે, એરલાઇને ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ કે તે પહેલાં કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને ટિકિટ રદ કરીને સંપૂર્ણ રિફંડ મેળવવાનો અથવા ફ્રી રિબુકિંગ કરવાનો મોટો વિકલ્પ આપ્યો છે.
એર ઇન્ડિયાના રિયાધ અને દમ્મામ સેક્ટરના ૭ નવેમ્બર, ૨૦૨૬ સુધીની પ્રવાસ તારીખ ધરાવતા મુસાફરો ઉપલબ્ધતાના આધારે સાઉદી અરેબિયાના કોઈ પણ કાર્યરત એર ઇન્ડિયા સ્ટેશન પરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૬ સુધી એક વખત મફત રિબુકિંગ કરાવી શકશે. જ્યારે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીની મુસાફરીની તારીખ ધરાવતા જેદ્દાહના પ્રવાસીઓ ૧૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી સાઉદી અરેબિયાના એર ઇન્ડિયા સ્ટેશન પર આ મફત રિબુકિંગનો લાભ લઈ શકશે.
બીજી તરફ, ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ કે તે પહેલાં બુકિંગ કરાવનાર એર ઇન્ડિયા એક્સપ્રેસના રિયાધ અને દમ્મામ ક્ષેત્રના મુસાફરો (૭ નવેમ્બર સુધીની પ્રવાસ તારીખ) ૨૧ નવેમ્બર સુધી સાઉદી અરેબિયા, બહેરીન અથવા ભારતના કોઈ પણ કાર્યરત એર ઇન્ડિયા એક્સપ્રેસ સ્ટેશન પરથી એકવાર નિઃશુલ્ક રિબુકિંગ કરાવી શકશે. તેમજ ૩૧ ઓક્ટોબર સુધીની પ્રવાસ તારીખ ધરાવતા જેદ્દાહના મુસાફરો ૧૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી સાઉદી અરેબિયા, બહેરીન કે ભારતના કોઈ પણ સ્ટેશન પરથી રિબુકિંગ મેળવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વના દેશોમાં સમયાંતરે ઊભી થતી સુરક્ષા કે ક્ષેત્રીય તણાવની પરિસ્થિતિને કારણે અગાઉ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના શિડ્યુલમાં ફેરફારો કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિ પર એરલાઇન્સ કંપનીઓ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સતત નજર રાખી રહ્યા છે, અને આગામી દિવસોમાં સ્થિતિ સામાન્ય થયા બાદ જ ફ્લાઇટ્સનું નિયમિત સંચાલન પુનઃ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
