<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

એર ઈન્‍ડિયાએ ૩ વર્ષમાં ‘ખોટું કામ કરનારા' ૧૦૦૦થી વધુ કર્મચારીઓને તગેડી મૂક્‍યા

ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્‍ડિયામાં હવે લગભગ ૨૪,૦૦૦ કર્મચારીઓ છે

મુંબઈ,તા.૧૧: એર ઈન્‍ડિયાના CEO કેમ્‍પબેલ વિલ્‍સનના જણાવ્‍યા અનુસાર, છેલ્‍લા ત્રણ વર્ષમાં નૈતિક ઉલ્‍લંઘન માટે એર ઈન્‍ડિયાએ ૧,૦૦૦ થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્‍યા છે, જેમાં એવા કર્મચારીઓ પણ સામેલ છે જેમણે લેઝર ટ્રાવેલ સિસ્‍ટમનો દુરુપયોગ કર્યો છે.

દર વર્ષે સેંકડો કર્મચારીઓને નૈતિક ઉલ્‍લંઘન માટે કાઢી મૂકવામાં આવે છે તે વાત જણાવતા, વિલ્‍સને એ વાત પર પણ ભાર મૂક્‍યો છે કે, જ્‍યારે અન્‍ય લોકો જોઈ રહ્યા ન હોય ત્‍યારે પણ સ્‍ટાફે યોગ્‍ય રીતે કાર્ય કરવાની જરૂર છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, નોંધપાત્ર નાણાકીય અવરોધો વચ્‍ચે એર ઈન્‍ડિયા ખર્ચ બચાવવાના પગલાંઓ અમલમાં મૂકી રહી છે આ વચ્‍ચે, વિલ્‍સને શુક્રવારે સ્‍ટાફ સાથે ટાઉન હોલ મીટિગ દરમિયાન આ ટિપ્‍પણી કરી હતી. ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્‍ડિયામાં હવે લગભગ ૨૪,૦૦૦ કર્મચારીઓ છે.

એરલાઈનના સીઈઓ અને એમડીએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લા ત્રણ વર્ષમાં, અમે નૈતિક ઉલ્‍લંઘન બદલ ૧,૦૦૦ થી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્‍યા છે, જેવા કે વિમાનમાંથી વસ્‍તુઓની દાણચોરી કરવી અને ચાર્જ લીધા વિના વિમાનમાં વધારાનો સામાન મૂકવાનો.

તેમણે એમ્‍પ્‍લોયી લેઝર ટ્રાવેલ (ELT) સિસ્‍ટમનો દુરુપયોગ કરનારા સેંકડો કર્મચારીઓનો પણ ઉલ્‍લેખ કર્યો અને ઉમેર્યું કે, આવી વસ્‍તુઓ ન થવી જોઈએ.

માર્ચ મહિનામાં, સૂત્રોએ PTI  જણાવ્‍યું હતું કે, એરલાઈને તેની લેઝર ટ્રાવેલ પોલિસીના ઉપયોગમાં મોટા પાયે વિસંગતતાઓ શોધી કાઢી છે, જેમાં ૪,૦૦૦ થી વધુ કર્મચારીઓ સામેલ છે અને ભૂલ કરનારા સ્‍ટાફ પર દંડ લાદવા સહિતના પગલાં લેવાયા છે.

એર ઈન્‍ડિયાએ ખર્ચ ઘટાડવા પણ પગલાં લીધા છે, જેમાં સ્‍ટાફ માટે વાર્ષિક પગાર વધારો રોકવો અને તેમને પોતાની મરજીના ખર્ચની સાથે બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવા માટે કહેવાયું છે. સાથે જ કંપનીએ મુશ્‍કેલ સમય આવવાની ચેતવણી આપી છે.

શુક્રવારે, વિલ્‍સને સ્‍ટાફને જણાવ્‍યું હતું કે જો મધ્‍ય પૂર્વના મોરચે પરિસ્‍થિતિમાં સુધારો નહીં થાય તો તે ખૂબ જ મુશ્‍કેલ વર્ષ બનવાનું છે. એર ઈન્‍ડિયા ગ્રુપ - એર ઈન્‍ડિયા અને એર ઈન્‍ડિયા એક્‍સપ્રેસ - ને માર્ચ ૨૦૨૬ માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. 

(9:59 AM IST)