<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

વિદ્યાર્થીઓ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ધમાકેદાર ઓફર: ફ્લાઈટ ટિકિટ પર ૧૦% ડિસ્કાઉન્ટ, ૨૫ કિલો સામાન અને રૂ. ૯૯માં તારીખ બદલવાની સુવિધા!

તહેવારોની સિઝનમાં વિદ્યાર્થીઓ ઉપરાંત વિઝા કાર્ડ ધારકો માટે પણ ખાસ બચત પ્લાન; જાણી લો કઈ રીતે મળશે લાભ

મુંબઈ, તા.૨૫: અભ્યાસ કે મુસાફરી માટે ફ્લાઈટમાં જતા વિદ્યાર્થીઓ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) એક શાનદાર તહેવારની ભેટ લઈને આવ્યું છે. એરલાઈને વિદ્યાર્થીઓ માટે ખાસ ફેસ્ટિવ ઓફર જાહેર કરી છે, જેમાં સ્થાનિક (ડોમેસ્ટિક) ફ્લાઈટની ટિકિટ પર ભારે ડિસ્કાઉન્ટ, વધારાની સામાન લાવવાની છૂટ અને ખૂબ જ ઓછા ચાર્જમાં મુસાફરીની તારીખ બદલવા જેવી આકર્ષક સુવિધાઓ આપવામાં આવી રહી છે.

 

આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને એરલાઈનની અધિકૃત વેબસાઈટ અથવા ઈ-એપ દ્વારા બુકિંગ કરાવવા પર ટિકિટના મૂળ દર પર ૧૦ ટકાનું સીધું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે. સામાન્ય રીતે ફ્લાઈટમાં ૧૫ કિલો સામાનની મર્યાદા હોય છે, પરંતુ આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ૨૫ કિલો સુધીનો સામાન (Checked Baggage) સાથે લઈ જઈ શકશે, એટલે કે તેમને ૧૦ કિલો વધારાના બેગેજનો લાભ મળશે. આ સિવાય માત્ર રૂ. ૯૯ ચૂકવીને મુસાફરીની તારીખ પણ બદલી શકાશે. એટલું જ નહીં, 'VIBES' પ્રોમોકોડનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વધારાનું ૫ ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

 

કોણ લઈ શકશે આ ઓફરનો લાભ?

 

આ ઓફરનો લાભ મેળવવા માટે મુસાફરની ઉંમર ૧૨ વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. બુકિંગ કરાવનાર વિદ્યાર્થી પાસે તેમની માન્ય શૈક્ષણિક સંસ્થા (શાળા કે કોલેજ) નું ફોટો આઈડી કાર્ડ હોવું આવશ્યક છે, જેમાં તેમનું નામ અને જન્મતારીખ સ્પષ્ટપણે દર્શાવેલી હોવી જોઈએ. એરપોર્ટ પર ચેક-ઈન કરતી વખતે આ ઓળખપત્ર દર્શાવવું ફરજિયાત રહેશે.

 

વિઝા (Visa) કાર્ડ ધારકો માટે પણ વિશેષ છૂટ

 

વિદ્યાર્થીઓ ઉપરાંત એર ઈન્ડિયા એક્સપ્રેસે સામાન્ય ગ્રાહકો માટે પણ એક પ્રોમોશનલ ઓફર રજૂ કરી છે. જો તમે બુકિંગ કરતી વખતે પાત્રતા ધરાવતા વિઝા (Visa) ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને “VISAFLY” પ્રોમોકોડ દાખલ કરો છો, તો તમને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર રૂ. ૬૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. વિઝા કાર્ડ માટેની આ ઓફર ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી માન્ય રહેશે. દરરોજ ૫૦૦થી વધુ ફ્લાઈટ્સનું સંચાલન કરતી એર ઈન્ડિયા એક્સપ્રેસના આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ અને મુસાફરોને સીધો આર્થિક ફાયદો થશે.

 

(3:57 PM IST)