તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહની ચિંતાજનક ચેતવણી: 'ભારતને દર વર્ષે ૩૬ થી ૪૦ નવા ફાઇટર જેટની જરૂર'
ચીન-પાકિસ્તાનની વધી રહેલી મિલિભગત સામે સ્ક્વોડ્રનની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય; 'ટેકનોલોજીમાં વિલંબ એટલે ટેકનોલોજીનો ઇનકાર' : સમયસર નિર્ણયો લેવા વાયુસેના પ્રમુખનો ભાર

નવી દિલ્હી: આગામી વાયુસેના દિવસ નિમિત્તે યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે દેશની સરહદો પર ઊભા થયેલા દ્વિપક્ષીય જોખમો સામે હવાઈ સંરક્ષણની ક્ષમતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને લાલબત્તી સમાન નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લા દિલે સ્વીકાર્યું હતું કે ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને અટકાવવા માટે ભારત સરકારે દર વર્ષે ઓછામાં ઓછા ૩૬ થી ૪૦ નવા અત્યાધુનિક લડાકુ વિમાનો (લગભગ બે નવી સ્ક્વોડ્રન) પોતાના કાફલામાં સામેલ કરવા પડશે. વાયુસેનાના વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સંરક્ષણ ખરીદી અને ઉત્પાદન પ્રક્રિયામાં થતો વિલંબ સીધી રીતે દેશની ઓપરેશનલ ક્ષમતાઓને નુકસાન પહોંચાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "ટેકનોલોજીમાં વિલંબ એટલે ટેકનોલોજીનો ઇનકાર." જો સંરક્ષણ ઉત્પાદનમાં એટલો બધો સમય લાગી જાય કે દુશ્મન દેશો આપણાથી આગળ નીકળી જાય, તો નવી ટેકનોલોજી પણ પોતાનું વાસ્તવિક મૂલ્ય ગુમાવી બેસે છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચે પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ સહિત વધી રહેલા સંરક્ષણ અને લશ્કરી સંકલનને વાયુસેના પ્રમુખે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. જોકે, તેમણે ઉમેર્યું હતું કે માત્ર વિમાનો મેળવી લેવાથી યુદ્ધ જીતી શકાતું નથી; પાકિસ્તાન આ અદ્યતન પ્લેટફોર્મ્સને તેની સમગ્ર લડાઇ પ્રણાલી અને નેટવર્ક સાથે યોગ્ય રીતે એકીકૃત (Integrate) કરવામાં હજુ સક્ષમ નથી. આ સિવાય, સ્ક્વોડ્રનની અછત દૂર કરવા માટે વાયુસેના સ્વદેશી તેજસ માર્ક-૧A, તેજસ માર્ક-૨, ૧૧૪ વિમાનો માટેના પ્રસ્તાવિત MRFA પ્રોગ્રામ અને પાંચમી પેઢીના AMCA પ્રોજેક્ટ પર ઝડપી અમલીકરણ ઈચ્છે છે. HAL દ્વારા વર્ષે ૨૪ થી વધુ વિમાનોના ઉત્પાદન લક્ષ્યાંક પર કામ ચાલી રહ્યું છે, પરંતુ જો AMCA જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાં વિલંબ થાય તો વાયુસેનાએ વૈકલ્પિક ફાઇટર જેટ્સની શોધ કરવી પડી શકે છે. રશિયા દ્વારા આપવામાં આવેલી Su-57 સ્ટીલ્થ વિમાનોની ઓફર અંગે હાલ કોઈ આખરી નિર્ણય લેવાયો નથી, પરંતુ તમામ વિકલ્પો ખુલ્લા રખાયા છે.
અતિ મહત્વના થિયેટર કમાન્ડના મુદ્દે એર ચીફ માર્શલે વાયુસેનાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે વાયુસેના આ નવી સંકલિત વ્યવસ્થાનો વિરોધ નથી કરી રહી, પરંતુ તેના અમલીકરણનું માળખું અને તબક્કાવાર ક્રમ અત્યંત વિચારપૂર્વક નક્કી થવા જોઈએ. ઓપરેશનલ ક્ષમતા સાથે કોઈ સમજૂતી ન થાય તે રીતે નવી 'ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી' ની રચના બાદ આ વિષય પર પુનર્વિચારણા કરીને સરકાર સમક્ષ વ્યવહારિક વિકલ્પો મૂકવામાં આવશે. આ ઉપરાંત, તેમણે ઓપરેશનલ સિંદૂર અને અવકાશ ક્ષેત્રે સંરક્ષણ શસ્ત્રો અને જાગૃતિ વધારવાના ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. વાયુસેનાના વડાએ સ્પષ્ટ કર્યું કે સંગઠનથી મોટું કોઈ નથી અને વાયુસેના પોતાની પડકારો તથા નબળાઈઓને સ્વીકારીને આત્મનિર્ભરતા તેમજ આધુનિકીકરણના માર્ગે વધુ મજબૂતીથી આગળ વધવા તૈયાર છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
