<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

AI લાવશે ઈ-કચરાનું મોટું તોફાન: ૨૦૫૦ સુધીમાં ૬૧૭ મિલિયન ટન ઝેરી કચરો પૃથ્વી માટે બનશે મોટો ખતરો

.માત્ર ચિપ્સ અને સર્વર જ નહીં, પરંતુ ડેટા સેન્ટરોની કૂલિંગ સિસ્ટમ્સ, પાવર ગ્રીડ અને બેટરીઓ પણ ટૂંક સમયમાં પૃથ્વી પર નકામો ભંગાર બનીને 'ફોરેવર કેમિકલ્સ'નું ભયાનક પર્યાવરણીય સંકટ ઊભું કરશે

નવી દિલ્હી :  AIની ક્રાંતિ એક તરફ માનવ જીવન અને ડિજિટલ દુનિયાને અકલ્પનીય ગતિ આપી રહી છે, તો બીજી તરફ આ ટેકનોલોજી પૃથ્વી પર ઈ-કચરાનો એવો અદ્રશ્ય પૂર લાવી રહી છે જે ભવિષ્યમાં વિનાશક સાબિત થઈ શકે છે. તાજેતરના વૈશ્વિક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫ થી ૨૦૫૦ ની વચ્ચે AI-સંબંધિત સાધનોને કારણે ૩૯૫ મિલિયનથી લઈને ૬૧૭ મિલિયન ટન જેટલો ઈ-કચરો ઉત્પન્ન થવાનો અંદાજ છે. ૨૦૫૦ સુધીમાં માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે જ દર વર્ષે ૩૧ થી ૪૬ મિલિયન ટન ઈ-વેસ્ટ એકઠો થશે. અત્યાર સુધી માત્ર સર્વર્સ અને GPUs ને જ આ માટે જવાબદાર ગણવામાં આવતા હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે સમગ્ર ડેટા સેન્ટર માળખામાં ચિપ્સ અને સર્વર માત્ર ૧૩ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો ૮૭ ટકા ભાગ નેટવર્કિંગ, વિશાળ સ્ટોરેજ, બેટરીઓ અને કૂલિંગ સિસ્ટમ્સનો છે જે સમય જતાં નકામો ભંગાર બની જાય છે.

ઓગસ્ટ ૨૦૨૬ સુધીના આંકડા અનુસાર, વિશ્વના ૧૭૯ દેશોમાં ૧૨,૨૫૯ થી વધુ વિશાળ ડેટા સેન્ટર્સ કાર્યરત છે, જેમાં એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં ૫,૩૮૮, જર્મનીમાં ૫૨૯ અને યુકેમાં ૫૨૩ ડેટા સેન્ટર્સ આવેલા છે. AI ની સતત વધતી માંગને પહોંચી વળવા માટે મેકકિન્સેના અહેવાલ મુજબ ૨૦૨૫ થી ૨૦૩૦ વચ્ચે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અંદાજે $૭ ટ્રિલિયન (સાત ટ્રિલિયન ડોલર) નું જંગી રોકાણ થવા જઈ રહ્યું છે. કંપનીઓ ઝડપી પ્રોસેસિંગ માટે જૂના સાધનોને તેમની નિર્ધારિત મર્યાદા પહેલાં જ ફેંકીને નવા મોડેલ્સ અપનાવી રહી છે. આ આંધળી દોડને કારણે ૨૦૩૦ સુધીમાં જ વાર્ષિક ૮.૬ થી ૧૩.૧ મિલિયન ટન જૂના સાધનો નકામા થઈ જશે, જે અગાઉના અંદાજો કરતાં લગભગ ૪૦ થી ૬૦ ગણા વધારે છે અને જે પર્યાવરણ માટે લાલ બત્તી સમાન છે.

આ સંકટ માત્ર કચરાના જથ્થા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની સાથે જોડાયેલા ઝેરી રસાયણો વધુ ઘાતક છે. આધુનિક ડેટા સેન્ટરના સાધનોમાં PFAS જેવા ખતરનાક રસાયણોનો ઉપયોગ થાય છે, જેને પર્યાવરણમાં ક્યારેય નષ્ટ ન થતા હોવાથી 'ફોરેવર કેમિકલ્સ'  તરીકે ઓળખવામાં આવે છે. જો આ ઈ-કચરાનું યોગ્ય અને સુરક્ષિત રીસાઇક્લિંગ કરવામાં ન આવે, તો આ ઝેરી તત્વો જમીન અને ભૂગર્ભ જળમાં ભળીને ગંભીર આરોગ્ય સમસ્યાઓ સર્જી શકે છે. ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર અનુસાર, ૨૦૨૨ માં સમગ્ર વિશ્વમાં ઉત્પન્ન થયેલા ૬૨ મિલિયન ટન ઈ-કચરામાંથી માત્ર ૨૨.૩% કચરાનો જ વૈજ્ઞાનિક રીતે નિકાલ થયો હતો. આવી સ્થિતિમાં AI નો આ અણધારી ગતિએ વધતો ઈ-કચરો આવનારા સમયમાં સમગ્ર માનવજાત માટે ભારે મોટો પડકાર બની રહેશે.

(6:31 PM IST)