News of Saturday, 28th November 2026
AI હવે લોકોની રોજગારી માટે પણ મોટો પડકાર બન્યું :સોફ્ટવેર કંપની SAPમાં 10 હજાર પદો ઘટાડવાની તૈયારી: ટેક જગતમાં ચિંતા ફેલાઈ
આ નિર્ણય અમલમાં આવે તો કંપનીના વૈશ્વિક કર્મચારીઓમાંથી લગભગ 9 ટકા કર્મચારીઓ પ્રભાવિત થઈ શકે

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. હવે તેની અસર ટેકનોલોજી કંપનીઓની રોજગારી પર પણ જોવા મળી રહી છે. જર્મનીની જાણીતી સોફ્ટવેર કંપની SAPમાં આશરે 10 હજાર પદો ઘટાડવાની તૈયારી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જો આ નિર્ણય અમલમાં આવે તો કંપનીના વૈશ્વિક કર્મચારીઓમાંથી લગભગ 9 ટકા કર્મચારીઓ પ્રભાવિત થઈ શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર, કંપનીના વિવિધ વિભાગોને એવા ક્ષેત્રોની ઓળખ કરવા જણાવાયું છે, જ્યાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી શકાય. ખાસ કરીને પ્રોડક્ટ, એન્જિનિયરિંગ અને સેલ્સ વિભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જોકે, કયા દેશો અને કઈ ટીમમાં સૌથી વધુ અસર થશે તે અંગે કંપનીએ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.
કંપનીના CEO ક્રિશ્ચિયન ક્લેઇન AI First Business બનાવવાની દિશામાં આગળ વધારી રહ્યા છે. કંપની પોતાના સોફ્ટવેર અને સેવાઓમાં AI ટૂલ્સનું એકીકરણ વધારવા માગે છે. આ માટે પ્રોડક્ટ બનાવવાની અને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
SAP માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની આ પહેલી ઘટના નથી. વર્ષ 2024માં પણ કંપનીએ આશરે 10 હજાર કર્મચારીઓના પદોમાં ફેરફાર અને ઘટાડાની યોજના બનાવી હતી. આ પ્રક્રિયા પાછળ કંપનીને લગભગ 3 અબજ યુરોનો ખર્ચ થયો હતો. તે સમયે કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામું અને રી-સ્કિલિંગના વિકલ્પો આપવામાં આવ્યા હતા.
SAPમાં સૌથી વધુ કર્મચારીઓ જર્મનીમાં કાર્યરત છે. ત્યાં કર્મચારીઓ માટે 2028 સુધી રોજગાર સુરક્ષાનો કરાર કરવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેથી નવી છટણીની અસર જર્મનીના કર્મચારીઓ પર કેવી પડશે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.
હાલ 10 હજાર પદો ઘટાડવા અંગે SAPએ સત્તાવાર જાહેરાત કરી નથી. અહેવાલો અનુસાર, કંપની જાન્યુઆરી 2027ના અંતમાં વાર્ષિક પરિણામો સાથે આ અંગે વધુ માહિતી આપી શકે છે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
