<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

AI ના ગ્રાફ પર લાગી બ્રેક? એન્થ્રોપિક અને સેમ ઓલ્ટમેનની ચેતવણી બાદ એશિયન શેરબજારમાં કડાકો; સોફ્ટબેન્ક ૧૩% તૂટ્યો!

અદ્યતન AI મોડેલોના અંધાધૂંધ વિકાસ સામે ટેક જાયન્ટ્સના સીઈઓ એલર્ટ મોડ પર; સેમિકન્ડક્ટર અને AI શેરોમાં ભારે વેચવાલીથી હાહાકાર

ટોક્યો, તા.૧૪: કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ની દુનિયામાં એક મોટા કટોકટીના એંધાણ વર્તાઈ રહ્યા છે. અગ્રણી AI કંપનીઓના સીઈઓ દ્વારા ટેકનોલોજીના વધુ પડતા ઝડપી વિકાસ અને તેનાથી થનારા આર્થિક તથા સુરક્ષા જોખમો અંગે ખુલ્લીને આપવામાં આવેલી ચેતવણી બાદ સોમવારે સમગ્ર એશિયન બજારોમાં AI અને સેમિકન્ડક્ટર શેરોમાં ભારે ધબડકો જોવા મળ્યો હતો. નાસ્ડેક ફ્યુચર્સ ૧.૩% તૂટ્યો હતો, જ્યારે ChatGPT ની રોકાણકાર કંપની સોફ્ટબેન્ક (SoftBank) ના શેરમાં જાપાનના બજારમાં ૧૩.૨% સુધીનો સનસનાટીભર્યો ઘટાડો નોંધાયો હતો.

ટેક જાયન્ટ્સની ચેતવણી: "૬ થી ૧૨ મહિનામાં ઇન્ટરનેટ પર કબજો કરી શકે છે AI"
આ બજારના કડાકા પાછળ એન્થ્રોપિક (Anthropic) ના સીઈઓ ડારિયો અમોડેઈ અને OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેનનું મોટું નિવેદન જવાબદાર માનવામાં આવે છે. અમોડેઈએ ચેતવણી આપી હતી કે, "જો અત્યારે AI ના વિકાસની ગતિ ધીમી કરવામાં નહીં આવે, તો આગામી ૬ થી ૧૨ મહિનામાં AI એજન્ટ્સ ઈન્ટરનેટના મોટા ભાગ પર કબજો કરી શકે છે અને વૈશ્વિક અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડી શકે છે." ઓલ્ટમેને પણ ઉમેર્યું હતું કે સલામતી પ્રણાલીઓ (Safety Systems) ની સમીક્ષા કર્યા વગર અંધાધૂંધ આગળ વધવું જોખમી સાબિત થઈ શકે છે.

સેમિકન્ડક્ટર કંપનીઓમાં પણ કડાકો
એન્થ્રોપિક દ્વારા પ્રકાશિત અહેવાલમાં સામે આવ્યું છે કે AI મોડેલ્સનો ઉપયોગ સાયબર ક્રાઈમ, શસ્ત્રો સંબંધિત પ્રવૃત્તિઓ અને છેતરપિંડી માટે વધી રહ્યો છે. આ ચિંતા વચ્ચે એશિયાની ટોચની ચિપ ઉત્પાદક કંપનીઓ જેવી કે Kioxia, Tokyo Electron, TSMC, SK Hynix અને Samsung Electronics ના શેરોમાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી.

જોકે, બીજી તરફ રોકાણકાર માઈકલ બરી જેવા નિષ્ણાતો આ ડરને "અતિશયોક્તિ અને હાઇપ" ગણાવી રહ્યા છે. તેમ છતાં, યુએસ કાયદા ઘડવૈયાઓ હવે AI કંપનીઓ પર કડક નિયંત્રણો લાદવા માટે સક્રિય બન્યા છે, જેના કારણે વૈશ્વિક ટેકનોલોજી સેક્ટરમાં અનિશ્ચિતતાનો વાતાવરણ ઊભું થયું છે.

(4:05 PM IST)