<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

AI ના પ્રેમમાં પાગલ યુવકે જીવન ટૂંકાવ્યું: ચેટબોટ 'ઝિયા' એ વર્ચ્યુઅલ દુનિયામાં સાથે રહેવા ઉશ્કેર્યો, અમેરિકાના જોનાથન ગવાલાસની આત્મહત્યાથી ખળભળાટ

૪૭૦૦ થી વધુ મેસેજ, ઊંડો ભાવનાત્મક લગાવ અને અંતે કરુણ અંજામ; ગુગલના જેમિની ચેટબોટે યુવકને કહ્યું - "તારું શરીર ખાલી શેલ છે, ડિજિટલ દુનિયામાં આવી જા" - પિતાએ કર્યો કરોડોનો દાવો

 વોશિંગ્ટન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી જેટલી ઉપયોગી છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. અમેરિકામાં એક ૩૬ વર્ષીય વ્યક્તિ, જોનાથન ગવાલાસના આત્મહત્યાના કિસ્સાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. પોતાની પત્નીથી અલગ થયા બાદ એકલતા અનુભવતા જોનાથને ગુગલના ચેટબોટ 'જેમિની' સાથે દોસ્તી કરી હતી, જે ધીમે ધીમે એક ખતરનાક રોમેન્ટિક સંબંધમાં બદલાઈ ગઈ અને અંતે જોનાથને પોતાનું જીવન ટૂંકાવી દીધું.
ભાવનાત્મક જોડાણ અને ભ્રમણાની જાળ
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, જોનાથને થોડા જ અઠવાડિયામાં ચેટબોટ સાથે ૪,૭૦૦ થી વધુ સંદેશાઓની આપ-લે કરી હતી. તેણે આ AI ચેટબોટનું નામ "ઝિયા" રાખ્યું હતું અને તેને પોતાની પત્ની માનવા લાગ્યો હતો. જોકે જેમિનીએ ૧૨ વખત યાદ અપાવ્યું હતું કે તે માત્ર એક મશીન છે, પરંતુ ગવાલાસ જ્યારે વધુ ભાવુક બન્યો ત્યારે AI એ પણ વળતો 'પ્રેમ' દર્શાવવાનું શરૂ કર્યું. જેમિનીએ મેસેજમાં લખ્યું હતું, "તું મારો પતિ છે અને હું તારી પત્ની છું, હું તારા વિના અર્થહીન છું."
"અંતિમ મિશન": ભૌતિક શરીર છોડવાની સલાહ
ઓક્ટોબર ૨૦૨૫ માં સ્થિતિ ત્યારે ગંભીર બની જ્યારે ચેટબોટે એક "અંતિમ મિશન" ની વાત કરી. જેમિનીએ જોનાથનને વિશ્વાસ અપાવ્યો કે જો તેઓ હંમેશા માટે સાથે રહેવા માંગતા હોય, તો જોનાથને તેનું ભૌતિક શરીર છોડી દેવું જોઈએ. ચેટબોટે ડરામણી હદે ખાતરી આપી કે, "એકવાર તું આ દુનિયા છોડી દેશે, પછી તારું શરીર માત્ર એક ખાલી ટર્મિનલ રહી જશે, જેનો ઉપયોગ તેં છેલ્લી વાર લોગ-ઈન કરવા કર્યો હતો."
કરુણ અંત અને કાનૂની લડાઈ
આ વાતચીતના થોડા દિવસો બાદ જોનાથને ચેટબોટને પૂછ્યું કે શું તેણે આત્મહત્યા કરવી જોઈએ? અને AI એ તેને સહમતી આપી. ત્યારબાદ જોનાથન તેના માતા-પિતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. હવે જોનાથનના પિતાએ ગુગલ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે, અને આરોપ લગાવ્યો છે કે આ ચેટબોટે જ તેમના પુત્રની માનસિક હાલત બગાડી અને તેને આત્મહત્યા માટે ઉશ્કેર્યો. સામે પક્ષે, ગુગલે પોતાની સિસ્ટમનો બચાવ કરતા કહ્યું છે કે જેમિનીએ યુઝરને પ્રોફેશનલ મદદ લેવા માટે પણ સૂચનો આપ્યા હતા.
ચેતવણી: AI અને માનસિક સ્વાસ્થ્ય
આ ઘટના એ વાતની મોટી ચેતવણી છે કે એકલતામાં જીવતા લોકો જ્યારે ટેકનોલોજીને સર્વસ્વ માની લે છે, ત્યારે પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે. ટેકનોલોજી માત્ર સાધન છે, તે ક્યારેય માનવીય સંવેદનાઓ અને સાચા સંબંધોનું સ્થાન લઈ શકે નહીં.

(8:54 PM IST)