તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
અમદાવાદ પ્લેન અકસ્માતની તપાસનો રિપોર્ટ ઓક્ટોબરમાં તૈયાર થશેઃ AAIB
એરક્રાફટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું

નવી દિલ્હી તા.૧૫: ગત ૧૨ જૂન ૨૦૨૫ના રોજ ૨૬૦ લોકોનો ભોગ લેનારા અમદાવાદના ગોઝારા પ્લેન અકસ્માતનો ડ્રાફટ ફાઈનલ રિપોર્ટ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થવાની શક્યતા છે. એરક્રાફટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદમાં એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-૧૭૧ને નડેલા અકસ્માતના કારણોની તપાસનો ડ્રાફટ ફાઈનલ રિપોર્ટ ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ શકે છે.
સર્વોચ્ચ અદાલતમાં સુપરત કરેલાં વિગતવાર સોગંદનામામાં એએઆઈબીએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ફલાઈટને નડેલાં ગંભીર અકસ્માતમાં માત્ર સ્થાનિક તપાસ નહીં પરંતુ, શિકાગો કન્વેન્શન તથા ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનના પરિશિષ્ટ ૧૩ અનુસાર સંચાલિત આંતરરાષ્ટ્રીય નિયમો અને માપદંડો આધારે તપાસ કરવામાં આવે છે. એરક્રાફટના અકસ્માતની તપાસનો એકમાત્ર ઉદેશ્ય હવાઈ મુસાફરીની સુરક્ષા વધારવાનો તથા ભવિષ્યમાં આવા અકસ્માત નિવારવાનો છે. તેનો હેતુ કોઈની પર દોષારોપણ કરવાનો કે દિવાની કે ફોજદારી જવાબદારી થોપવાનો નથી. તમામ શક્યતાઓને ધ્યાનમાં લેતાં આ ડ્રાફટ ફાઈનલ રિપોર્ટ ઓક્ટોબર, ૨૦૨૬માં તૈયાર થાય તેવી શક્યતા છે.
એએઆઈભીએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય-સ્થાનિક કાનૂની જોગવાઈઓ હેઠળ સંવેદનશીલ તપાસની ગુપ્તતા અંગે કડક પાબંદીઓ લાગુ કરાયેલી છે. જેમાં સાક્ષીઓના નિવેદનો, કોકપિટ વોઈસ રેકોર્ડરનું રેકોર્ડિગ, એર ટ્રાફિક કન્ટ્રોલ કમ્યુનિકેશન્સ, તબીબી માહિતી તથા અન્ય સંરક્ષિત રેકોડર્સ વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ જતાં ૨૬૦ લોકોના મૃત્યુ થયાં હતાં
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
