<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમદાવાદ બે કલાકમાં દે ધનાધન પાંચ ઇંચઃ શહેર જળબંબાકાર

રામદેવનગર ચાર રસ્‍તાથી લઇને જોધપુર ગામ સુધી ઘુંટણસમા પાણીઃ અખબારનગર, મીઠાખળી તથા મકરબા અન્‍ડરપાસ બંધઃ સાબરમતીમાં કાલે પૂરની શકયતાઃ લોકોને બીનજરૂરી બહાર ન નિકળવા અપીલ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા.૨૩: શહેરમાં છેલ્લા ૨ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ છે. આ લખાઇ છે ત્‍યારે બપોરે ૨:૩૦ કલાક સુધીમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના પヘમિ અને દક્ષિણ ઝોનના મોટાભાગના વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્‍તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્‍યો સામે આવ્‍યા છે.ખાસ કરીને રામદેવનગર ચાર રસ્‍તાથી લઈને જોધપુર ગામ સુધીના મુખ્‍ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદી પાણીના ઝડપી નિકાલના અભાવે શહેરના મુખ્‍ય અંડરપાસમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. જેને પગલે મુસાફરો અને વાહનચાલકોની સલામતી માટે તંત્ર દ્વારા તાત્‍કાલિક ધોરણે ૩ મુખ્‍ય અંડરપાસ વાહનવ્‍યવહાર માટે બંધ કરી દેવામાં આવ્‍યા છે. જેમાં અખબારનગર , મીઠાખળી અને મકરબા અંડરપાસનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા સવારે અખબારનગર અંડરપાસ બેરિકેટ્‍સ મૂકીને બંધ કરી દેવાયો હતો, જેથી કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને.

શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સાબરમતી નદીની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નદીમાં પાણીનું સ્‍તર હાલ ૧૩૪.૩૫ ફૂટે પહોંચી ગયું છે. જળસ્‍તર નિયંત્રણમાં રાખવા માટે વાસણા બેરેજના ૩ દરવાજા સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્‍યા છે. તંત્ર દ્વારા નદીકાંઠાના નીચાણવાળા વિસ્‍તારોને એલર્ટ કરી દેવામાં આવ્‍યા છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે.

શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવ્‍યા બાદ અનેક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. એસ.જી. હાઇવે , ગોતા , પકવાન ચાર રસ્‍તા , થલતેજ અને ઘાટલોડિયામાં ભારે વરસાદી ઝાપટાં પડ્‍યા છે. આ ઉપરાંત કારગિલ ચાર રસ્‍તા , ચાંદલોડિયા, ન્‍યૂ રાણીપ  અને નારણપુરા સહિતના વિસ્‍તારોમાં પણ ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદ શહેર માટે આગામી ત્રણ દિવસ અત્‍યંત મહત્‍વના સાબિત થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા શહેર અને આસપાસના વિસ્‍તારોમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. સતત વરસાદને કારણે શહેરમાં જળબંબાકાર, ટ્રાફિક જામ અને દૈનિક જનજીવન પર વ્‍યાપક અસર પડવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા નદીના જળસ્‍તરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેશે તો સાબરમતીના પ્રવાહમાં વધુ વધારો થઈ શકે છે.

વધતા જળપ્રવાહને કારણે આવતીકાલે સાબરમતી નદીમાં પૂર જેવી સ્‍થિતિ સર્જાવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકો માટે ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી શકે છે. સ્‍થાનિક વહીવટી તંત્ર સતત સ્‍થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી પડે તો સ્‍થળાંતર સહિતના પગલાં પણ લેવામાં આવી શકે છે.

ભારે વરસાદ અને પૂર જેવી સંભાવનાને ધ્‍યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, હવામાન વિભાગ અને સ્‍થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ પાણી ભરાયેલા રસ્‍તાઓ અને નદી કાંઠાના વિસ્‍તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.

શહેરના નીચાણવાળા વિસ્‍તારો, અંડરપાસ અને જળભરાવની શકયતા ધરાવતા માર્ગો પર ખાસ તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે

(2:36 PM IST)