તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયનો ભેદભાવનો આરોપ: બકરીદ પહેલા પોલીસ પર કુરબાનીના પ્રાણીઓ જપ્ત કરવાનો દાવો, સમુદાયમાં રોષ
પંજાબ પ્રાંતના અનેક શહેરોમાં પોલીસે ઘરોમાંથી ઉઠાવ્યા પ્રાણીઓ, કહ્યું 'કાયદા મુજબ બિન-મુસ્લિમ કુરબાની કરી શકે નહીં': અહમદિયા નેતાઓએ ગણાવ્યું ધાર્મિક ઉત્પીડન

લાહોર તા.૨૭ : પાકિસ્તાનમાં બકરીદ પહેલા જ અહમદિયા સમુદાયે પોલીસ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સમુદાયનું કહેવું છે કે પંજાબ પ્રાંતના અનેક શહેરોમાં પોલીસ તેમના ઘરોમાંથી કુરબાની માટે ખરીદેલા બકરાઓને જબરદસ્તી જપ્ત કરી રહી છે. અહમદિયા નેતાઓએ તેને ધાર્મિક ભેદભાવ અને ઉત્પીડન ગણાવ્યું છે.
જમાત-એ-અહમદિયા પાકિસ્તાનના પ્રવક્તા આમિર મહમૂદના જણાવ્યા મુજબ લાહોર, રાવલપિંડી, ફૈસલાબાદ અને સરગોધામાં છેલ્લા 3 દિવસમાં પોલીસે 20થી વધુ ઘરો પર દરોડા પાડ્યા છે. પોલીસ ટીમો ઘરોમાં ઘૂસીને બકરીદ માટે ખરીદેલા પ્રાણીઓને ગાડીઓમાં ભરીને લઈ જઈ રહી છે. પોલીસની દલીલ છે કે પાકિસ્તાનના કાયદા મુજબ અહમદિયા સમુદાય પોતાને મુસલમાન કહી શકે નહીં અને ન તો ઇસ્લામિક રીતિ-રિવાજોનું પાલન કરી શકે. તેથી તેમની કુરબાની ગેરકાયદેસર છે.
અહમદિયા સમુદાયે આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે બંધારણ તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. અમે પણ અલ્લાહને માનીએ છીએ અને કુરબાની અમારો ધાર્મિક અધિકાર છે. પોલીસની કાર્યવાહીથી સમુદાયમાં ભયનો માહોલ છે. અનેક પરિવારોએ બકરીદ પર કુરબાની ન કરવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનમાં 1974માં બંધારણીય સુધારા દ્વારા અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી તેમના પર અનેક પ્રકારની પાબંદીઓ છે. તેઓ પોતાને મુસ્લિમ કહી શકે નહીં, પોતાની ઇબાદતગાહને મસ્જિદ કહી શકે નહીં અને ન તો જાહેરમાં ઇસ્લામિક પ્રતીકોનો ઉપયોગ કરી શકે. માનવાધિકાર સંગઠનોએ પણ પાકિસ્તાન સરકારની આ કાર્યવાહીની નિંદા કરી છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે ધાર્મિક આધારે ભેદભાવ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે.
બકરીદ 7 જૂને મનાવવામાં આવશે. અહમદિયા સમુદાયે સરકારને અપીલ કરી છે કે પોલીસની કાર્યવાહી રોકવામાં આવે અને તેમને શાંતિપૂર્વક તહેવાર ઉજવવા દેવામાં આવે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
