તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
અગ્નિ-૬ સુપર મિસાઇલ તૈયારઃ ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ
સંરક્ષણ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ ૧૦,૦૦૦ કિલોમીટરની રેન્જ સાથે ભારત હવે વૈશ્વિક મહાસત્તાઓની હરોળમાં સામેલ થવા માટે તૈયાર

નવી દિલ્હી, તા.૭: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ભારતે સંરક્ષણ ક્ષેત્રે માસ્ટરસ્ટ્રોક મારવાની તૈયારી કરી લીધી છે. DRDO દ્વારા વિકસિત અગ્નિ-૬ મિસાઈલના સંભવિત પરીક્ષણ માટે ૬ થી ૯ મે દરમિયાન બંગાળની ખાડીમાં ૩,૫૬૦ કિલોમીટરના વિસ્તાર માટે NOTAM (એર સ્પેસ પ્રતિબંધ) જાહેર કરવામાં આવ્યો છે. આ હિલચાલ માત્ર એક પરીક્ષણ નથી, પરંતુ દુશ્મન દેશો માટે ચેતવણી છે કે ભારત હવે માત્ર પોતાની સીમાઓ પૂરતું મર્યાદિત નથી, પણ ૧૦,૦૦૦ કિલોમીટરથી વધુની રેન્જ સાથે ખરેખર વૈશ્વિક શક્તિ બની રહ્યું છે.
આ મિસાઈલની સૌથી ઘાતક તાકાત તેની MIRV (મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ) ટેકનોલોજી છે. આ ટેકનોલોજીને કારણે ભારતની એક જ મિસાઈલ એકસાથે અનેક પરમાણુ હથિયારો લઈને ઉડી શકશે અને દુશ્મનના અલગ-અલગ શહેરો કે સૈન્ય મથકોને પલકવારમાં નિશાન બનાવી શકશે. આ ક્ષમતા અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જેવા ગણ્યાગાંઠ્યા દેશો પાસે જ હતી. અગ્નિ-૬ ની રેન્જ એટલી વિશાળ છે કે તે આખા પાકિસ્તાન અને સમગ્ર ચીનના ઉત્તરીય ભાગ સુધી સચોટ નિશાન સાધવા સક્ષમ છે, જેનાથી બેઇજિંગ અને ઈસ્લામાબાદની ચિંતામાં ધરખમ વધારો થયો છે.
ભારતની આ વ્યૂહાત્મક તૈયારી પાછળ પヘમિ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પણ જવાબદાર છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા વિક્ષેપ અને ઉર્જા સંકટને જોતા ભારત રક્ષણાત્મક નહીં પણ આક્રમક સંરક્ષણ પ્રણાલી તરફ વળ્યું છે. અગ્નિ-૬ ઉપરાંત ભારતે તાજેતરમાં લોંગ રેન્જ એન્ટી-શીપ હાઇપરસોનિક મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે, જે મેક ૧૦ (અવાજ કરતા ૧૦ ગણી વધુ ઝડપ) ની ઝડપે ઉડે છે. આવી અદભૂત ઝડપને કારણે દુનિયાની કોઈપણ વર્તમાન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે તેને હવામાં રોકવી લગભગ અશકય છે.
ભારતની આ વધતી સૈન્ય શક્તિ માત્ર હથિયારોનું પ્રદર્શન નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની નવી ઓળખ છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર અપાયેલા સંકેત મુજબ, ભારત હવે સુપર પાવર ક્લબમાં સત્તાવાર રીતે પ્રવેશવા જઈ રહ્યું છે. આ મિસાઈલ પરીક્ષણ બાદ ભારતની ગણતરી વિશ્વના એવા ટોચના પાંચ દેશોમાં થશે જેઓ ગમે તેવા અંતરે રહેલા દુશ્મનને ધૂળ ચટાડી શકે છે. આગામી દિવસોમાં બંગાળની ખાડીમાંથી નીકળનારી અગ્નિની જવાળાઓ એશિયાના રક્ષણ અને ભારતના અજેય હોવાની સાક્ષી પૂરશે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
