News of Thursday, 23rd July 2026
શિક્ષણ પર વિરોધનું આક્રમક વલણ: મોદી સરકારના ૧૨ વર્ષમાં શિક્ષણ બજેટની રકમ બમણી થઈ પણ કુલ કેન્દ્રીય બજેટમાં હિસ્સો ઘટીને ૨.૬% થયો!
NEET પેપર લીક અને પરીક્ષાઓની ગેરરીતિઓ વચ્ચે શાસન સામે મોટો સવાલ: GDP ના ૬% ખર્ચના લક્ષ્યાંક સામે ભારત હજુ પણ ૪.૧% પર, યુનાઇટેડ સ્ટેટ્સ અને ફિનલેન્ડ જેવા દેશો કરતાં આપણે કેટલા પાછળ?

નવી દિલ્હી : દેશભરમાં NEET પેપર લીક અને શિક્ષણ પ્રણાલીમાં રહેલી ક્ષતિઓને લઈને રસ્તાઓથી લઈને સંસદ સુધી મોટો રાજકીય સંગ્રામ છેડાયો છે. એક તરફ વિપક્ષ અને વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે શેરીઓમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસો માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ તમામ રાજકીય ઘમાસાણ વચ્ચે દેશના શિક્ષણ બજેટના આંકડાઓ એક નવો જ દૃષ્ટિકોણ રજૂ કરે છે.
બજેટની રકમ વધી પરંતુ કુલ હિસ્સામાં સતત ઘટાડો
આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે છેલ્લા ૧૨-૧૩ વર્ષમાં દેશના શિક્ષણ બજેટની કુલ રકમમાં વધારો થયો છે, પરંતુ કેન્દ્ર સરકારના કુલ બજેટમાં તેનો ટકાવારી હિસ્સો સતત ઘટી રહ્યો છે:
· UPA શાસન (૨૦૧૩-૧૪): કુલ ₹૧૬.૬૫ લાખ કરોડના બજેટમાંથી શિક્ષણ માટે ₹૬૫,૮૬૭ કરોડ (આશરે ૩.૯૬%) ફાળવવામાં આવ્યા હતા.
· NDA શાસન (૨૦૧૪-૧૫ થી ૨૦૨૬-૨૭): ૨૦૧૪-૧૫માં આ હિસ્સો ૩.૮% હતો, જે ૨૦૨૬-૨૭ના કુલ ₹૫૩.૪૭ લાખ કરોડના બજેટમાં વધીને ₹૧,૩૯,૨૮૯ કરોડ થયો છે. જોકે, ટકાવારીની દ્રષ્ટિએ આ હિસ્સો ઘટીને માત્ર ૨.૬% પર આવી ગયો છે.
GDP ના ૬% ખર્ચનો લક્ષ્યાંક હજુ પણ અધૂરો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ અનુસાર, કેન્દ્ર અને રાજ્યો દ્વારા શિક્ષણ પર દેશની GDP ના ૬% ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પરંતુ સંસદીય અહેવાલો મુજબ, આ ખર્ચ હાલમાં GDP ના માત્ર ૪.૧% પર જ અટકી ગયો છે.
· બજેટની ફાળવણી: ૨૦૨૬-૨૭ ના શિક્ષણ બજેટમાંથી ૬૦% રકમ (₹૮૩,૫૬૨ કરોડ) શાળા શિક્ષણ અને સામાજિક કાર્ય માટે, જ્યારે ૪૦% રકમ (₹૫૫,૭૨ત કરોડ) ઉચ્ચ શિક્ષણ વિભાગ માટે નિર્ધારિત કરવામાં આવી છે.
· સમગ્ર શિક્ષા અભિયાન: આ યોજના માટે ₹૪૨,૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે શિક્ષણ બજેટના ૩૦% જેટલી રકમ છે.
શિક્ષણ ક્ષેત્ર સામેના મુખ્ય પડકારો: શિક્ષકોની અછત અને ડિજિટલ વિભાજન
માત્ર બજેટ જ નહીં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધનની બાબતમાં પણ દેશનું શિક્ષણ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે:
· શિક્ષકોની મોટી અછત: દેશમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે આશરે ૧૦ લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ઉપરાંત, પૂર્વ-પ્રાથમિક સ્તરે પ૨% શિક્ષકો પાસે યોગ્ય વ્યાવસાયિક તાલીમનો અભાવ છે.
· ઉચ્ચ શિક્ષણ અને સંશોધન: કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ૨૯% ફેકલ્ટી પદો ખાલી છે. ભારતમાં R&D (સંશોધન) પર GDP નો માત્ર ૦.૬૪% ખર્ચ થાય છે, જેમાં યુનિવર્સિટીઓનું પ્રદાન માત્ર ૯% છે.
વૈશ્વિક સ્તરે ભારત ક્યાં?
વૈશ્વિક આંકડાઓ સાથે સરખામણી કરીએ તો, નામિબિયા પોતાના GDP ના સૌથી વધુ ૯.૧% શિક્ષણ પર ખર્ચ કરે છે. ત્યારબાદ ક્યુબા (૮.૪%), બોલિવિયા (૭.૫%) અને ફિનલેન્ડ (૬.૪%) નો નંબર આવે છે. અમેરિકા પોતાના GDP ના ૫.૪%, રશિયા ૪.૨% અને ચીન ૩.૯% ખર્ચ કરે છે. જ્યારે ભારત તેના પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ (૨%) કરતાં આગળ હોવા છતાં વિકસિત દેશોની સરખામણીએ હજુ પણ પાછળ છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
