News of Wednesday, 16th September 2026
ડીજિટલ સ્પેસમાં નફરત ફેલાવી યુવાનોને આતંકવાદ તરફ ધકેલતી પાકિસ્તાની ગેંગ સામે ભારત સરકારનો મોટો પ્રહાર: 'શહેઝાદ ભટ્ટી નેટવર્ક' UAPA હેઠળ આતંકવાદી સંગઠન જાહેર
સરહદ પારથી હથિયારો, વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની દાણચોરી તેમજ દેશની સાંપ્રદાયિક સદભાવનાને છીનભિન્ન કરવાના કાવતરાં સામે કેન્દ્રનું આકરું કદમ: ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતંકવાદ સામેના 'ઝીરો ટોલરન્સ' નીતિના સંકલ્પને આગળ ધપાવતા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન આધારિત અને આઈએસઆઈ (ISI) નું સમર્થન ધરાવતા ગેંગસ્ટર-ટર્ન-ટેરરિસ્ટ શહેઝાદ ભટ્ટીના 'શહેઝાદ ભટ્ટી નેટવર્ક' ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધક કાયદા (UAPA) હેઠળ અધિકૃત રીતે આતંકવાદી સંગઠન જાહેર કરી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે ભારતની આંતરિક સુરક્ષા અને લોકશાહી માળખાને નુકસાન પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશન અનુસાર, શહેઝાદ ભટ્ટી નેટવર્ક મુખ્યત્વે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશના નિર્દોષ યુવાનો અને નાના-મોટા સ્થાનિક ગુનેગારોને વિવિધ પ્રલોભનો આપી કટ્ટરપંથી બનાવવામાં સક્રિય હતું. આ સિન્ડિકેટ દ્વારા સરહદ પારથી ગેરકાયદેસર રીતે આધુનિક હથિયારો, વિસ્ફોટકો (IEDs અને ગ્રેનેડ) તેમજ નશીલા દ્રવ્યોની દાણચોરી કરવામાં આવતી હતી. આ ઉપરાંત, દેશની સાંપ્રદાયિક સદભાવના અને એકતાને ભંગ કરવા માટે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક તેમજ નફરત ફેલાવતી ડિજિટલ સામગ્રી પ્રકાશિત કરવાનો ગંભીર આરોપ પણ આ જૂથ પર મૂકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સુરક્ષા એજન્સીઓ દ્વારા તાજેતરમાં જ દેશના ૧૪ જેટલા રાજ્યોમાં સંયુક્ત કામગીરી કરીને આ નેટવર્કથી જોડાયેલા ૨૦૦ થી વધુ સભ્યોની અટકાયત અને ધરપકડ કરવામાં આવી હતી. આ જૂથ સામે દેશભરમાં યુએપીએ), ભારતીય ન્યાય સંહિતા (BNS), આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ્સ એક્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગૃહ મંત્રાલયે યુએપીએ ની કલમ ૩૫(૧)(એ) હેઠળ આ નેટવર્કને પ્રથમ અનુસૂચિમાં સામેલ કર્યું છે, જેનાથી હવે આ સંગઠન સાથે સંકળાયેલા તમામ સહયોગીઓ અને નાણાકીય સ્ત્રોતો સામે કાનૂની શિકંજો વધુ મજબૂત બનશે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
