તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
વર્ષોના આકરા પ્રહારો બાદ યશવંત સિંહાના મોદી સરકાર પર સૂર બદલાયા: "દિલ્હી BRICS સબ્મિટ સફળ, ભારતે ચીનને આંખમાં આંખ પરોવી આપ્યો જવાબ"
પૂર્વ વિદેશ મંત્રીએ મોદી સરકારની વિદેશ નીતિની કરી મુક્તકંઠે પ્રશંસા; કહ્યું- ચીનની પીઠમાં છરો ભોંકવાની આદત સામે ભારતે મજબૂતીથી મૂક્યો પોતાનો પક્ષ

હજારીબાગ, તા.૧૪: લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના કટ્ટર ટીકાકાર રહ્યા બાદ ભાજપના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી યશવંત સિંહાના સૂર બદલાયેલા જોવા મળ્યા છે. દિલ્હીમાં યોજાયેલી BRICS (બ્રિક્સ) સમિટને અસાધારણ સફળતા ગણાવતાં તેમણે વિદેશ નીતિ અને રાજદ્વારી વ્યૂહરચના મામલે મોદી સરકારની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતે ચીન સામે પોતાના મુદ્દાઓ એટલી મજબૂતીથી મૂક્યા કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ નારાજ થઈ ગયા હતા.
સમિટની સફળતાના ગણાવ્યા ૩ મુખ્ય કારણો
ન્યૂઝ એજન્સી ANI સાથેની ખાસ વાતચીતમાં યશવંત સિંહાએ BRICS સમિટ સફળ રહેવા પાછળ ત્રણ મુખ્ય કારણો રજૂ કર્યા હતા:
- વૈશ્વિક નેતાઓની હાજરી: અનિશ્ચિતતા હોવા છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત તમામ આમંત્રિત રાષ્ટ્રપ્રમુખોએ હાજરી આપી હતી.
- સર્વાનુમતે સંયુક્ત ઘોષણાપત્ર: મે મહિનામાં વિદેશ મંત્રીઓની બેઠકમાં મતભેદોને કારણે સંયુક્ત નિવેદન શક્ય બન્યું ન હતું, પરંતુ આ વખતે ભારતીય અધિકારીઓની સખત મહેનતથી સર્વાનુમતે સંયુક્ત ઘોષણાપત્ર જારી કરાયું.
- મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો: તમામ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાઈ, જેમાં ઈરાન સાથેના સંબંધો અને પરંપરાગત વિદેશ નીતિના સંતુલનને પુનઃસ્થાપિત કરવામાં ભારત સફળ રહ્યું.
ચીન પર વિશ્વાસ ન કરાય, પણ ભારતે બતાવી તાકાત
ચીન સાથેની દ્વિપક્ષીય બેઠક અંગે વાત કરતાં પૂર્વ વિદેશ મંત્રીએ ચેતવણી આપતા કહ્યું, "ચીન પર ક્યારેય આંધળો વિશ્વાસ કરી શકાય નહીં. તેણે ભૂતકાળમાં સતત ભારતને હેરાન કર્યું છે અને પીઠમાં છરો ભોંક્યો છે. પરંતુ આ સમિટમાં ભારતે પોતાની ચિંતાઓ અને મુદ્દાઓ અત્યંત આક્રમક રીતે ચીન સામે મૂક્યા છે. કદાચ આ જ કડવાશ અને તણાવને કારણે શી જિનપિંગ રાત્રિભોજનમાં હાજર રહ્યા ન હતા."
ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા અને ૨૦૨૨માં વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચૂકેલા યશવંત સિંહા તરફથી મોદી સરકારની વિદેશ નીતિની આવી પ્રશંસા થવી એ રાજકીય ગલિયારામાં ભારે ચર્ચાનો વિષય બની છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
