<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત બાદ રાઘવ ચઠ્ઠાએ 'આપ'ને 'ટોક્સિક' કહીને 'કટ્ટર ઈમાનદારી'ના મુખૌટાને ઉતાર્યો

પાર્ટી સાથે હોય તો સંસ્કારી અને અલગ થાય તો ભ્રષ્ટાચારી કહેવાની નીતિને વખોડી: 'કટ્ટર ઈમાનદારી' ના નામે લૂંટફાટ થતી હોવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ

નવી દિલ્હી :ભારતીય રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડતાની સાથે જ નેતૃત્વ સામે મોરચો ખોલી દીધો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ચઢ્ઢાએ પોતાની જૂની પાર્ટીને 'ટોક્સિક'  ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા છે.

 

રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીની બેવડી નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, "જ્યાં સુધી કોઈ વ્યક્તિ પાર્ટી સાથે જોડાયેલો રહે છે, ત્યાં સુધી તેને 'સંસ્કારી' ગણવામાં આવે છે, પરંતુ જેવો તે છેડો ફાડે કે તરત જ તેને 'ભ્રષ્ટાચારી' જાહેર કરી દેવામાં આવે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે પાર્ટી હવે એક એવા નારાજ સાથી જેવો વ્યવહાર કરી રહી છે જે માત્ર એક જ વાત પર અટકી ગયો હોય.

 

રાજકીય હલચલ  વચ્ચે ચઢ્ઢાએ આકરા શબ્દોમાં કહ્યું કે, જે સંગઠન લૂંટફાટને 'કટ્ટર ઈમાનદારી' ગણાવતું હોય તેની સાથે લાંબો સમય દોસ્તી નિભાવી શક્ય નથી. તેમના મતે, પાર્ટીની અંદર હવે એવું વાતાવરણ રહ્યું નથી જે સ્થાપના સમયે હતું. આમ આદમી પાર્ટી હવે તેની મૂળ વિચારધારા થી ભટકી ગઈ છે અને આંતરિક મતભેદો ચરમસીમાએ પહોંચ્યા છે.

રાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાત બાદ રાઘવ ચઢ્ઢાની આગામી રણનીતિ શું હશે તે અંગે તેમણે મૌન સેવ્યું છે, પરંતુ તેમના તેવર જોતા સ્પષ્ટ લાગે છે કે આગામી દિવસોમાં AAP માટે મુશ્કેલીઓ વધી શકે છે. રાજકીય વિશ્લેષકો આ હુમલાને પાર્ટીના અસ્તિત્વ માટે મોટો પડકાર માની રહ્યા છે.

(8:08 PM IST)