<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

TCS બાદ હવે લેન્સકાર્ટમાં ડ્રેસ કોડ મામલે મોટો વિવાદ : હિજાબને મંજૂરી પણ બિંદી-તિલક અને કલાવા પર પ્રતિબંધના દાવાથી સોશિયલ મીડિયા પર આક્રોશ

વાયરલ દસ્તાવેજો બાદ કંપનીના CEO પિયુષ બંસલે માંગી માફી : જૂની અને ખોટી નીતિ હોવાની સ્પષ્ટતા સાથે કર્મચારીઓ કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરી શકશે તેમ જાહેર કર્યું

નવી દિલ્હી:કોર્પોરેટ જગતમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સાથે જોડાયેલા તાજેતરના વિવાદ બાદ હવે પ્રખ્યાત આઈવેર કંપની લેન્સકાર્ટ (Lenskart) ડ્રેસ કોડને લઈને વિવાદોના ઘેરામાં આવી છે. કંપનીના ઓફિસ અને સ્ટોર્સ માટે જારી કરાયેલા કથિત ડ્રેસ કોડ ગાઈડના દસ્તાવેજો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે હોબાળો મચી ગયો છે. આ દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંપની ચોક્કસ ધાર્મિક પ્રથાઓને મંજૂરી આપે છે જ્યારે અન્ય ધર્મના પ્રતીકો પર પ્રતિબંધ લાદે છે.

વાયરલ દસ્તાવેજોમાં શું હતો વિવાદ?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ગાઈડલાઈન મુજબ, મહિલા કર્મચારીઓ જો સિંદૂર લગાવે તો તે અત્યંત ઓછી માત્રામાં અને માથા પર ન દેખાય તે રીતે લગાવવાની સૂચના હતી. આ ઉપરાંત, માથા પર બિંદી, તિલક કે હાથમાં ધાર્મિક દોરો (કલાવા) પહેરવાની મનાઈ હોવાનો ઉલ્લેખ હતો. બીજી તરફ, તે જ દસ્તાવેજમાં હિજાબ પહેરવાની પરવાનગી આપવામાં આવી હતી, જોકે તેના માટે કાળો રંગ અને કંપનીના લોગોને ન ઢાંકવા જેવી શરતો મૂકવામાં આવી હતી. જોકે, સ્ટોરમાં બુરખો પહેરવાની મનાઈ હતી. આ ભેદભાવયુક્ત નીતિ સામે લેખિકા શેફાલી વૈદ્ય સહિત અનેક સામાજિક કાર્યકરોએ સવાલો ઉઠાવ્યા હતા.

CEO પિયુષ બંસલની સ્પષ્ટતા અને માફી:વિવાદ વકરતા કંપનીના સ્થાપક અને CEO પિયુષ બંસલે તાત્કાલિક મેદાનમાં આવીને સફાઈ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, વાયરલ થઈ રહેલો દસ્તાવેજ જૂનો અને ખોટો છે, જે હાલની કંપનીની નીતિને દર્શાવતો નથી. તેમણે આ મામલે થયેલા ભ્રમ અને ચિંતા બદલ માફી માંગતા સ્પષ્ટ કર્યું કે લેન્સકાર્ટમાં હવે કોઈપણ ધાર્મિક પ્રતીક પર કોઈ પ્રતિબંધ નથી. કર્મચારીઓ પોતાની આસ્થા અને સંસ્કૃતિ મુજબ બિંદી, તિલક કે અન્ય ધાર્મિક વસ્તુઓ પહેરી શકે છે. તેમણે ઉમેર્યું કે કંપની દેશભરના હજારો કર્મચારીઓની પરંપરાઓનું સન્માન કરે છે.

શેરબજાર અને રોકાણકારો પર અસર:આ વિવાદની અસર લેન્સકાર્ટના રોકાણકારોમાં પણ જોવા મળી હતી. લેન્સકાર્ટ ખાનગી કંપની હોવાથી તેના શેર સીધા સ્ટોક માર્કેટમાં ટ્રેડ થતા નથી, પરંતુ રોકાણકારોની ધારણાને પગલે ગુરુવારે શેરના મૂલ્યમાં ૪ થી ૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આ ઘટાડો માત્ર આ વિવાદને કારણે જ છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

TCS ના કથિત 'લવ જિહાદ' વિવાદ બાદ લેન્સકાર્ટનો આ કિસ્સો કોર્પોરેટ સંસ્કૃતિ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની પાતળી રેખા પર ફરી એકવાર ચર્ચા જગાવી રહ્યો છે. હાલમાં કંપનીએ પોતાની ગ્રોમિંગ પોલિસીમાં ફેરફાર કરીને તમામ ધર્મો માટે સમાન વાતાવરણ હોવાનો દાવો કર્યો છે.

(3:24 PM IST)