<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પીએમ મોદી બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચાખ્યો બંગાળની પ્રખ્યાત 'ઝાલમુરી'નો સ્વાદ: રાજ્યને રૂ. ૮,૭૦૦ કરોડના ૨૨ નવા હાઇવે પ્રોજેક્ટ્સની ભેટ

પૂર્વ મેદિનીપુર જિલ્લાના કોલાઘાટ ખાતે આયોજિત NHAI કાર્યક્રમમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે મસાલેદાર ઝાલમુરીની લિજ્જત માણી : રાજ્યના રોડ નેટવર્કને મજબૂત કરવા માટે રૂ. ૧ લાખ કરોડના નવા વિકાસ પ્રોજેક્ટ્સ, રૂ. ૧૪,૦૦૦ કરોડના ખર્ચે કોલકાતા રિંગ રોડ અને વારાણસી-કોલકાતા કોરિડોર સહિતની મહત્ત્વપૂર્ણ જાહેરાતો

કોલકાતા :  કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ  પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના કોલાઘાટ ખાતે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે બંગાળના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ 'ઝાલમુરી'નો સ્વાદ ચાખ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI)ના એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ગડકરીએ સોશિયલ મીડિયા પર આ ક્ષણનો એક રસપ્રદ વિડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ મમરા, લીલા મરચાં અને ખાસ મસાલાઓમાંથી બનેલી ચટપટી ઝાલમુરીનો આનંદ માણતા તેમજ સ્થાનિક વિક્રેતા સાથે હળવી વાતચીત કરતા જોવા મળે છે. ગડકરીએ પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ખાસ આ બંગાળી નાસ્તાની વ્યવસ્થા કરી હતી; નોંધનીય છે કે આ અગાઉ એપ્રિલ મહિનામાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઝારગ્રામમાં પોતાનો કાફલો રોકીને ઝાલમુરીની લિજ્જત માણી હતી.

આ સત્તાવાર કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ પશ્ચિમ બંગાળની માળખાગત સુવિધાઓને મોટો વેગ આપતા રાજ્યમાં કુલ રૂ. ૮,૭૦૦ કરોડથી વધુના રોકાણ સાથે ૨૨ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત, ભવિષ્યમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવા માટે તેમણે કુલ રૂ. ૧ લાખ કરોડના નવા વિકાસ પ્રોજેક્ટ્સની મોટી જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે રાજ્યમાં રૂ. ૨ લાખ કરોડના પ્રોજેક્ટ્સ પહેલાથી જ પ્રગતિ પર છે. આ જાહેરાતોમાં દિલ્હી-NCRની તર્જ પર રૂ. ૧૪,૦૦૦ કરોડના ખર્ચે કોલકાતાની ફરતે રિંગ રોડ, ઉત્તર બંગાળને કોલકાતા બાયપાસ કરીને જોડતો ખડગપુર-મોરગ્રામ ગ્રીનફિલ્ડ હાઇવે, વારાણસી-કોલકાતા કોરિડોર, બાંગ્લાદેશ સરહદે પેટ્રાપોલ સુધીનો ફોર-લેન હાઇવે તેમજ ઉત્તર પ્રદેશ, નેપાળ, સિક્કિમ અને આસામને જોડતા નવા કોરિડોરનો સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં મંચ પરથી મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કેન્દ્રીય મંત્રીની કાર્યશૈલીની પ્રશંસા કરતા કહ્યું હતું કે રાજ્ય સરકાર જમીન ઉપલબ્ધ કરાવશે અને ગડકરી એવા હાઇવે બનાવે જ્યાં ફાઇટર જેટ પણ ઉતરી શકે. જવાબમાં નીતિન ગડકરીએ બંગાળની તસવીર બદલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે રાજ્યમાં વિકાસની ગાડી તેજ ગતિએ દોડી રહી છે અને જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સ માત્ર ટ્રેલર સમાન છે, આવનારા સમયમાં રાજ્યના પરિવહન અને કનેક્ટિવિટી ક્ષેત્રે મોટું પરિવર્તન જોવા મળશે.

(6:48 PM IST)