તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
બ્રિટનના ઓક્સફર્ડમાંથી ૧૦૦ વર્ષથી વધુ સમય બાદ નાગા સમુદાયના ૩૯ પૂર્વજોના અવશેષોની વતનવાપસી : વસાહતી યુગના ઐતિહાસિક અન્યાયના નિવારણ તરફ મહત્વપૂર્ણ પગલું
૯ નવેમ્બરે ઓક્સફર્ડના સંગ્રહાલયમાં ઔપચારિક હસ્તાંતરણ : પૂર્વજોની ખોપરીઓ સહિતના માનવ અવશેષો નાગાલેન્ડને પરત સોંપવા માટે વર્ષોથી પ્રયાસો ચાલી રહ્યા હતા

કોહિમા, તા. ૧૨ : બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વસાહતી શાસનના સમયથી પોતાના સંગ્રહાલયમાં રાખેલા નાગા સમુદાયના ૩૯ પૂર્વજોના માનવ અવશેષો પરત સોંપવાનો ઐતિહાસિક નિર્ણય અમલમાં મૂક્યો છે. ઓક્સફર્ડના પિટ રિવર્સ સંગ્રહાલય ખાતે ૯ નવેમ્બરે યોજાયેલા વિશેષ સમારોહમાં નાગા સમુદાયના પ્રતિનિધિઓને આ અવશેષોનો ઔપચારિક કબજો સોંપવામાં આવ્યો હતો.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની સત્તાવાર માહિતી મુજબ આ અવશેષોનો સંગ્રહ બ્રિટિશ વસાહતી યુગ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમાં મુખ્યત્વે ખોપરીઓ સહિતના માનવ અવશેષોનો સમાવેશ થાય છે. નાગા સમુદાયના સંગઠનો લાંબા સમયથી પોતાના પૂર્વજોના અવશેષો પરત મેળવવાની માગણી કરી રહ્યાં હતાં.
વર્ષ ૨૦૨૦થી શરૂ થયેલી પ્રક્રિયા બાદ ૧૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઓક્સફર્ડ યુનિવર્સિટીની પરિષદે ૩૯ અવશેષો પરત આપવાનો નિર્ણય લીધો હતો. અન્ય એક અવશેષ નાગા સમુદાયનો હોવાની સ્પષ્ટ સાબિતી ન હોવાથી તેને હસ્તાંતરણમાં સામેલ કરવામાં આવ્યો નહોતો.
૯ નવેમ્બરના સમારોહમાં પિટ રિવર્સ સંગ્રહાલય તરફથી પ્રોફેસર લૌરા વાન બ્રોકહોવેન અને નાગા સમુદાયના પ્રતિનિધિ રેવરન્ડ ડૉ. વાટી આયરે હસ્તાંતરણના દસ્તાવેજો ઉપર સહી કરી હતી.
આ અવશેષો નાગાલેન્ડના દીમાપુર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નાગા સમુદાયે પોતાના પૂર્વજોની સામૂહિક સ્મૃતિ અને સન્માન માટે વિશેષ સ્મારક સ્થળ બનાવવાની યોજના વ્યક્ત કરી છે. આ ઘટનાને માત્ર ઐતિહાસિક વસ્તુઓની પરતફેર નહીં પરંતુ પૂર્વજોના સન્માન અને વસાહતી યુગના અન્યાયના નિવારણ તરફના પગલા તરીકે જોવામાં આવે છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
