<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

બિરયાનીમાં ઝેર ભેળવ્‍યું પછી દીકરીનું ગળુ દબાવી દીધું ગળું

પિતાએ પોતાની જ દીકરી સાથે કરી બર્બરતા : મુંબઈમાં ૪૫ વર્ષના પિતાએ પોતાની ૨૦ વર્ષની દીકરીને બિરયાનીમાં ઝેર આપી અને ગળું દબાવીને હત્‍યા કરી નાખી છે

મુંબઈ તા.૧૦: મુંબઈમાં એક પિતા પર પોતાની ૨૦ વર્ષની દીકરીની હત્‍યા કરવાનો આરોપ લાગ્‍યો છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી પત્‍નીના મૃત્‍યુ બાદ બીજા લગ્ન કરવા માગતો હતો, પરંતુ તેની બંને દીકરીઓ આ નિર્ણયની વિરુદ્ધ હતી. આ મુદ્દે ઘરમાં વારંવાર વિવાદ થતો હતો. આરોપ છે કે પિતાએ પહેલાં મોટી દીકરીની ચિકન બિરયાનીમાં ઝેર ભેળવ્‍યું અને ત્‍યારબાદ તેનું ગળું દબાવી દીધું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

આરોપીની ઓળખ ૪૫ વર્ષના શરીફ રઝા હુસૈન ખાન તરીકે થઈ છે. તે વ્‍યવસાયે સુથાર છે અને મુંબઈના વડાલા ઈસ્‍ટમાં મડોના કોલોની, શેખ મિષી દરગાહ રોડ વિસ્‍તારમાં પોતાનાં ત્રણ બાળકો સાથે રહેતો હતો. તેના પરિવારમાં ૨૦ વર્ષની દીકરી રિફત, ૧૬ વર્ષની દીકરી નુઝહત અને ૧૦ વર્ષનો દીકરો અહેમદ છે. નવેમ્‍બર ૨૦૨૫માં તેની પત્‍નીનું કેન્‍સરને કારણે મૃત્‍યુ થયું હતું. ત્‍યારબાદ શરીફ બીજા લગ્ન કરવા માગતો હતો, પરંતુ તેની બંને દીકરીઓ આ માટે તૈયાર નહોતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, રિફત ખાસ કરીને તેના પિતાના બીજા લગ્નનો વિરોધ કરી રહી હતી. આ મુદ્દે પિતા અને દીકરીઓ વચ્‍ચે વારંવાર દલીલો થતી હતી. તપાસકર્તાઓને આશંકા છે કે આ વિવાદને કારણે આરોપીએ પોતાની બંને દીકરીઓને નિશાન બનાવવાનો પ્‍લાન બનાવ્‍યો હતો. જોકે, હત્‍યા પાછળના સંજોગો અને આરોપીના ઇરાદાની તપાસ હજુ ચાલી રહી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, આ ઘટનામાં નાની દીકરી નુઝહતનો જીવ બચી ગયો, કારણ કે તે ઘટનાની રાત્રે પોતાની માસીના ઘરે જતી રહી હતી.

આ ઘટના ૨ ઓક્‍ટોબરની છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, શરીફ બંને દીકરીઓ માટે ચિકન બિરયાની લઈને ઘરે પહોંચ્‍યો હતો. આરોપ છે કે તેણે બિરયાનીમાં ઝેર ભેળવ્‍યું હતું, ત્‍યારબાદ રિફત અને નુઝહતે ભોજન લીધું હતું. પછી બંને સૂવા માટે ઘરની છત પર જતી રહી. થોડા સમય બાદ બફારાને કારણે નુઝહત પોતાની માસી ગૌસિયાના ઘરે જતી રહી હતી. પોલીસને આશંકા છે કે જો તે ઘરે રોકાઈ હોત, તો તે પણ આરોપીના હુમલાનો ભોગ બની શકી હોત.

૩ ઓક્‍ટોબરની સવારે લગભગ ૫ વાગ્‍યે શરીફ કથિત રીતે ગૌસિયાના ઘરે પહોંચ્‍યો હતો. તેણે સંબંધીઓને જણાવ્‍યું કે રિફત બેભાન હાલતમાં પડી છે અને કોઈ હલનચલન પણ કરી રહી નથી. ત્‍યારબાદ પરિવારના લોકો રિફતને હોસ્‍પિટલ લઈ ગયા હતા, જ્‍યાં ડોક્‍ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાના સમયે રિફતના મામા અબુ ખાન લુધિયાણામાં હતા. તેમને ફોન પર રિફતના મૃત્‍યુની જાણ કરવામાં આવી હતી.

પરિવારના જણાવ્‍યા અનુસાર, શરૂઆતમાં એવું દર્શાવવામાં આવ્‍યું હતું કે બિરયાની ખાધા બાદ ફૂડ પોઇઝનિગ થવાને કારણે તેનું મૃત્‍યુ થયું હતું. પોલીસના જણાવ્‍યા અનુસાર, રિફતને હોસ્‍પિટલ લઈ જતી વખતે શરીફનું વર્તન શંકાસ્‍પદ લાગ્‍યું હતું. ડોક્‍ટરોએ તેની ગરદન પર નિશાન જોયાં, ત્‍યારબાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. શંકાસ્‍પદ સંજોગોમાં મૃત્‍યુ થયું હોવાથી પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્‍યું હતું.

એક પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર, પોસ્‍ટમોર્ટમમાં ગૂંગળામણ અને ગરદન પર દબાણ આવવાનાં સંકેતો મળ્‍યા હતા. ગરદન પર દોરી અથવા અન્‍ય કોઈ વસ્‍તુથી દબાણ આવવાનાં નિશાન પણ જોવા મળ્‍યાં હતા. તપાસ માટે નમૂનાઓ સુરક્ષિત રાખવામાં આવ્‍યા હતા, જેથી તેમની હિસ્‍ટોપેથોલોજિકલ તપાસ અને રાસાયણિક વિશ્‍લેષણ કરાવી શકાય. પોસ્‍ટમોર્ટમમાંથી મળેલી માહિતી અને ઘટનાક્રમની તપાસના આધારે વડાલા પોલીસે શરીફ રઝા હુસૈન ખાનની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેને પોલીસ કસ્‍ટડીમાં મોકલવામાં આવ્‍યો છે. તપાસ દરમિયાન બિરયાનીમાં ઝેર ભેળવવા અને ગળું દબાવવાના પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આ ઘટનામાં બીજા લગ્નને લઈને થયેલો વિવાદ કેટલી હદે જવાબદાર હતો. તપાસ અને ફોરેન્‍સિક રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(9:51 AM IST)