News of Saturday, 27th June 2026
કેતન-સિયા, રાજા-સોનમ બાદ હવે ઓડિશામાં ગીતા-શક્તિ કાંડઃ પતિની હત્યા કરી ખેતરમાં ફેંકી દીધો
દેશમાં હાલમાં પતિ-પત્ની અને કથિત પ્રેમી સાથે જોડાયેલા ચર્ચિત હત્યાના કેસોએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે

ઝારસુગુડા,તા.૨૭: દેશમાં હાલમાં પતિ-પત્ની અને ત્રીજા વ્યક્તિ સાથે જોડાયેલી ચર્ચિત હત્યાના કેસોની વચ્ચે ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા અને તેના પુરુષ મિત્રએ મહિલાના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ બંનેએ લાશને ખેતરમાં ફેંકી આ કેસને દબાવી દેવાની કોશિશ કરી હતી.
આ કિસ્સો એવા સમયે આવ્યો છે, જ્યારે પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડ અને ઇન્દોરના રાજા રઘુવંશી કેસ પહેલાથી ચર્ચામાં છે. જો કે આ ત્રણેય કેસની પરિસ્થિતિઓ અલગ અલગ છે.
શું છે આખો મામલો
આ ઘટના ઝારસુગુડા જિલ્લાના રેંગાલી વિસ્તારના ટુંગુરીપાડા ગામની છે. મૃતકની ઓળખ શક્તિધર સાહૂ તરીકે થઈ છે. જાણકારી અનુસાર, મંગળવાર રાતે કોઈ અજાણ્યા કારણસર શક્તિધર સાહૂ અને તેની પત્ની ગીતા મિર્ધા વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે ગીતાનો પુરુષ મિત્ર ટિકિનૂ પણ ત્યાં હાજર હતો. પત્ની સાથે થઈ રહેલી દલીલોથી નારાજ થઈ ટિકિનૂને પણ શક્તિધર સાથે મારામારી થઈ ગઈ. આ દરમ્યાન શક્તિધર જમીન પર પડી ગયો. આરોપ છે કે ત્યાર બાદ ગીતા મિર્ધાએ લાકડાના ધોકાથી તેના માથા પર જોરદાર હુમલો કર્યો અને માથું ફાડી નાખ્યું.
કહેવાય છે કે માથા પર લાગેલી ગંભીર ઈજાના કારણે શક્તિધરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યા બાદ ગીતા અને ટિકિનૂએ મળી લાશને ત્યાંથી ઉઠાવી અને ગામના એક ખેતરમાં ફેંકી આવ્યા. જેથી કોઈને આ ઘટનાની જાણકારી ન થાય. બાદમાં સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી. લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધી અને મામલાની તપાસ શરુ કરી.
તપાસ દરમ્યાન પોલીસને એવા પુરાવા મળ્યા, જેના આધાર પર ગીતા મિર્ધા અને ટિકિનૂ કિસાનની કથિત ભૂમિકા સામે આવી. ત્યાર બાદ બંનેની ધરપકડ કરી લીધી. કાનૂની પ્રક્રિયા બાદ પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. હાલમાં પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આખરે હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું.
દેશમાં હાલમાં પતિ-પત્ની અને કથિત પ્રેમી સાથે જોડાયેલા ચર્ચિત હત્યાના કેસોએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે. ઝારસુગુડાની આ ઘટના પણ આ જ પ્રકારના આરોપોના કારણે ચર્ચામાં છે. આ મામલામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને હત્યા પાછળના વાસ્તવિક કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
