<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે અરવિંદ કેજરીવાલ પાસે રૂ. ૭ કરોડની ખંડણી મંગાઈ : પૈસા ન આપે તો કેજરીવાલ અને તેમની પુત્રી હર્ષિતાની હત્યાની ધમકી

ધારાસભ્ય જરનૈલ સિંહની ફરિયાદના આધારે મોહાલી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી : બીજી તરફ બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાને પણ ધમકીભર્યો ઓડિયો મેસેજ મળતા ખળભળાટ

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજકીય અને સુરક્ષા વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે અજાણ્યા શખ્સે અરવિંદ કેજરીવાલ પાસે સાત કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ મામલે તિલક નગરના ધારાસભ્ય જરનૈલ સિંહે ગત ૬ નવેમ્બરના રોજ મોહાલી પોલીસ સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

પુત્રી હર્ષિતાને પણ નિશાન બનાવવાની ચીમકી:
ધારાસભ્ય જરનૈલ સિંહે મોહાલીના એસએસપીને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને એક ધમકીભર્યો ફોન કોલ અને વોટ્સએપ મેસેજ મળ્યો હતો. આરોપીએ પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય તરીકે આપીને અરવિંદ કેજરીવાલ પાસે સાત કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો આ રકમ ચૂકવવામાં નહીં આવે તો અરવિંદ કેજરીવાલ તેમજ તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને પણ જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપવામાં આવી છે.

મોહાલી પોલીસે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો:
ફરિયાદના આધારે મોહાલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુનીલ કુમારને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ, આઈપી લોગ્સ અને લોકેશન ટ્રેસ કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. બીજી તરફ જરનૈલ સિંહે પોલીસ પાસે અરવિંદ કેજરીવાલ અને તેમના સમગ્ર પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાને પણ ધમકીભર્યો ઓડિયો મેસેજ:
બીજી તરફ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા બોલીવુડમાં પણ ભયનો માહોલ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સલમાન ખાન, રોહિત શેટ્ટી અને ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા બાદ મુંબઈ પોલીસે તમામ સેલિબ્રિટીઝને ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ આપી છે. ચાર દિવસ પહેલા જ અભિનેતા આયુષ્માન ખુરાનાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઓડિયો મેસેજ અનિલ પંડિત નામના શખ્સે મોકલ્યો હતો, જેણે પોતાને લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ ગણાવ્યો હતો.

પરિવાર પર હુમલાની ધમકી અને અગાઉની ધરપકડ:
ઓડિયો મેસેજમાં અનિલ પંડિતે આયુષ્માન ખુરાનાને ફોન ન ઉપાડવા બદલ ટોણો મારતા કહ્યું હતું કે જો તે વાત નહીં કરે તો ટાઈગર શ્રોફ જેવી હાલત થશે. તેણે ચંદીગઢ સ્થિત ઘર અને બાઈક નંબરની માહિતી હોવાનો દાવો કરીને જો વાતચીત નહીં થાય તો પરિવારના સભ્યો પર હુમલો કરવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તુષાર કપૂર સહિત અન્ય બોલીવુડ કલાકારોને પણ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા, જે મામલે પોલીસે વૈભવ મિશ્રા નામના આઈટી એન્જિનિયરની ધરપકડ કરી હતી.

(2:27 PM IST)