તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 19th October 2026
હરિયાણા બાદ હવે પંજાબમાં પણ કાશ્મીર જતી બસ પર પથ્થરમારો: લુધિયાણા પાસે ટાર્ગેટ કરાયેલી સ્લીપર બસ પર અસામાજિક તત્વોનો હુમલો
દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્ટાર વર્લ્ડ વેન્ચર્સની બસને દોરાહા પાસે નિશાન બનાવવામાં આવતા મુસાફરોમાં ફેલાયો ગભરાટ; સતત બીજા દિવસે બસ પર હુમલો થતા સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો

લુધિયાણા, તા.૧૯: હરિયાણાના કરનાલ બાદ હવે પંજાબના લુધિયાણા જિલ્લામાં કાશ્મીર તરફ જઈ રહેલી એક મુસાફર બસ પર પથ્થરમારાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્લીપર પેસેન્જર બસને રવિવારે મોડી રાત્રે લુધિયાણાના દોરાહા વિસ્તાર પાસે કેટલાક અજ્ઞાત અસામાજિક તત્વોએ નિશાન બનાવી હતી. સતત બે દિવસમાં ઉત્તર ભારતમાં કાશ્મીર જતી બસો પર હુમલાની આ બીજી ઘટના બનતા મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 'સ્ટાર વર્લ્ડ વેન્ચર્સ' કંપનીની આ ૪૦-સીટર સ્લીપર બસ દિલ્હીથી મુસાફરોને લઈને શ્રીનગર તરફ જઈ રહી હતી. રવિવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ જ્યારે બસ લુધિયાણાના દોરાહા પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક કેટલાક શખ્સોએ બસ પર પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ અચાનક થયેલા હુમલાને કારણે બસની બારીના કાચ તૂટી ગયા હતા. ઘટના બની ત્યારે મોટાભાગના મુસાફરો, જેમાં મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ હતા, ગાઢ નિદ્રામાં હતા. અચાનક થયેલા પથ્થરમારાથી બસમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ જ ટ્રાન્સપોર્ટ કંપનીની અન્ય એક બસ પર શનિવારે રાત્રે હરિયાણાના કરનાલ જિલ્લાના નીલોખેડી વિસ્તારમાં પણ આવો જ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક વૃદ્ધ મુસાફર ઘાયલ થયા હતા અને બસને નુકસાન પહોંચ્યું હતું. સળંગ બીજા દિવસે સમાન કંપનીની બસ પર હુમલો થતાં ડ્રાઇવરે તાત્કાલિક પંજાબ પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ ખન્ના પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોલીસ એસ્કોર્ટ (જીપ્સી પાઈલટ) મોકલીને બસને સુરક્ષિત રીતે વિસ્તારની બહાર રવાના કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ખન્ના પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે દોરાહા પોલીસ સ્ટેશન ખાતે અજ્ઞાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસ એ વાતની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે કે પંજાબની આ ઘટના હરિયાણામાં બનેલી ઘટના સાથે કોઈ રીતે જોડાયેલી છે કે કેમ. આ બીજી ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ અને વિવિધ સંગઠનોએ આકરો રોષ વ્યક્ત કરીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
