<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

સોના બાદ હવે ચાંદી પર સરકારની ભારે કડકાઈ : કેન્દ્ર સરકારે આયાત નિયમોમાં કર્યો મોટો ફેરફાર : હવે કોઈ પણ વેપારી સીધી વિદેશથી ચાંદીની ઈંટો નહીં મંગાવી શકે

ડીજીએફટી દ્વારા ચાંદીના બારને ‘ફ્રી’ માંથી હટાવી ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં મૂકાયા : દેશની રેકોર્ડબ્રેક વ્યાપાર ખાધ અને રૂપિયા પરનું દબાણ ઘટાડવા લેવાયો ઐતિહાસિક નિર્ણય : હવે માત્ર આરબીઆઈ માન્ય બેંકો, નિયુક્ત એજન્સીઓ અને આઈઆઈબીએક્સ એક્સચેન્જ મારફતે જ થઈ શકશે આયાત

નવી દિલ્હી : દેશમાં સોના બાદ હવે ચાંદીના વધતા જતા આયત અને વેપાર પર કેન્દ્ર સરકારે ખૂબ જ મોટો નિર્ણય લઈને નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલય (DGFT) દ્વારા ચાંદીની આયાત પર કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. નવા જાહેર કરાયેલા આદેશ અનુસાર, હવે દેશનો કોઈ પણ સામાન્ય વેપારી કે કારોબારી પોતાની રીતે સીધેસીધી વિદેશથી ચાંદીના બાર એટલે કે ચાંદીની ઈંટો મંગાવી શકશે નહીં. સરકારના આ આકરા પગલાં પાછળનું મુખ્ય કારણ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનું અને વિદેશી હૂંડિયામણના આડેધડ વપરાશને રોકવાનું છે.

 

ચાંદીના બારના બે મહત્વના કોડ ફ્રી કેટેગરીમાંથી હટાવાયા:

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા સત્તાવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, ચાંદીના બાર (ઈંટો) ના બે વિશિષ્ટ કોડ ૭૧૦૬૯૨૨૧ અને ૭૧૦૬૯૨૨૯ ને તાત્કાલિક અસરથી ‘ફ્રી કેટેગરી’ માંથી હટાવીને ‘વર્જિત એટલે કે પ્રતિબંધિત (Restricted) કેટેગરી’ માં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. સરકારનો આ નવો નિયમ સમગ્ર દેશમાં તાત્કાલિક પ્રભાવથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજુ માત્ર ચાર દિવસ પહેલા જ સરકારે સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) ૬ ટકાથી સીધી વધારીને ૧૫ ટકા કરી દીધી હતી, ત્યારબાદ આ બીજો મોટો આંચકો વ્યાપારીઓને આપવામાં આવ્યો છે.

 

હવે માત્ર આ ત્રણ નિર્ધારિત રસ્તાઓથી જ ચાંદી ભારત આવી શકશે:

સરકારના નવા નિયમો આવ્યા બાદ હવે વિદેશથી ભારતમાં ચાંદી લાવવા માટે માત્ર ત્રણ જ કાયદેસરના રસ્તાઓ ખુલ્લા રહેશે:

૧. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ખાસ નિયુક્ત કરવામાં આવેલી સરકારી કે ખાનગી બેંકો મારફતે.

૨. ડીજીએફટી (DGFT) દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સીઓ દ્વારા.

૩. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) તરફથી મંજૂરી મેળવેલા લાયક ઝવેરીઓ, જેઓ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) ના માધ્યમથી સત્તાવાર રીતે આયાત કરી શકશે.

 

રેકોર્ડબ્રેક વ્યાપાર ખાધ અને રૂપિયાના મૂલ્યને બચાવવા લેવાયું પગલું:

વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતે વિદેશોમાંથી કુલ ૯.૨ અબજ ડોલરની ચાંદીની આયાત કરી હતી, જે વર્ષ ૨૦૨૪ ની સરખામણીએ અધધ ૪૪ ટકા જેટલી વધુ હતી. આ આડેધડ આયાતના કારણે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ પણ એક જ વર્ષમાં લગભગ ત્રણ ગણા વધીને પ્રતિકિલો ૨.૪૩ લાખ રૂપિયાના ઐતિહાસિક સ્તરને પાર પહોંચી ગયા છે. આ અતિશય આયાતને કારણે દેશની વ્યાપાર ખાધ પણ ૩૩૩ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેના લીધે ભારતીય રૂપિયાના મૂલ્ય પર ભારે દબાણ ઊભું થયું છે.

સરકાર કોઈપણ ભોગે ચાંદીની આયાત ઘટાડવા માંગે છે. આ આર્થિક કટોકટીને ધ્યાનમાં રાખીને જ ગયા અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશવાસીઓને અપીલ કરી હતી કે દેશના હિતમાં અને વિદેશી હૂંડિયામણનો બગાડ અટકાવવા માટે નાગરિકો આગામી એક વર્ષ સુધી સોના-ચાંદીની ખરીદી કરવાનું ટાળે.

(9:41 PM IST)