તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 13th August 2026
જેન - ઝી બાદ હવે જેન - આલ્ફા મેદાને ! દેશભરમાં દેખાયો નવી પેઢીનો ગુસ્સો
મધ્ય પ્રદેશથી લઈને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી બાળકોના વિરોધની અનેક ઘટનાઓ સામે આવી ....ક્યાંક કલેક્ટર ઓફિસ તો ક્યાંક રસ્તા પર પ્રદર્શન : Gen Z બાદ Gen Alpha એટલે કે હાલ સ્કૂલમાં ભણતી પેઢી પણ પોતાના અધિકારો અને સ્થાનિક સમસ્યાઓને લઈને ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહી છે

નવી દિલ્હી તા.૧૩: જંતર-મંતરનું વિદ્યાર્થી આંદોલન સમાપ્ત થયાના થોડા દિવસ બાદ ઝારખંડમાં JPSC પરીક્ષા ભરતીમાં કથિત ગેરરીતિનો મુદ્દો ગરમાયો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. હવે Gen Z બાદ Gen Alpha એટલે કે હાલ સ્કૂલમાં ભણતી પેઢી પણ પોતાના અધિકારો અને સ્થાનિક સમસ્યાઓને લઈને ખુલ્લેઆમ અવાજ ઉઠાવતી જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશથી લઈને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી બાળકોના વિરોધના અનેક વીડિયો સામે આવ્યા છે.
મધ્ય પ્રદેશમાં બસ ભાડા સામે વિદ્યાર્થીઓનો અવાજ મધ્ય પ્રદેશના વિદિશામાં સ્કૂલની વિદ્યાર્થિનીઓએ વધેલા બસ ભાડા સામે મોરચો ખોલ્યો. વિદ્યાર્થીઓએ ‘‘અમારું ભાડું ઓછું કરો'' અને ‘‘બાળકોને લૂંટવાનું બંધ કરો'' જેવા નારા લગાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી.
ઉત્તરાખંડમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ખરાબ ભોજન, એક્સપાયર્ડ રાશન, પીવાના પાણી, વીજળી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓના અભાવને લઈને ત્રણ દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું. અંતે તંત્રને દખલગીરી કરવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસના અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્કૂલના પ્રિન્સિપાલને પદ પરથી હટાવવાના આદેશ અપાયા છે.
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં પણ સ્કૂલના બાળકોએ સ્થાનિક સમસ્યા સામે અવાજ ઉઠાવ્યો. ખરાબ રસ્તાથી પરેશાન ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને લગભગ ૫ કિલોમીટર સુધી પગપાળા માર્ચ કરીને કલેક્ટર કચેરી પહોંચ્યા. બાદમાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે ઝપ્ ઓફિસ તરફ આગળ વધ્યા, જ્યાં પોલીસે તેમને રોક્યા. જોકે, વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કહ્યું કે રસ્તો નહીં બને તો તેઓ ફરીથી આંદોલન કરશે.
મહારાષ્ટ્રના નાસિકના ત્ર્યંબકેશ્વર વિસ્તારના વિદ્યાર્થીઓએ પણ ખરાબ રસ્તાની સમસ્યા સામે પોતાની રીતે અવાજ ઉઠાવ્યો. વિદ્યાર્થીઓએ પાણીની બોટલને માઇક્રોફોન બનાવીને રસ્તાની ખરાબ સ્થિતિ અંગે વીડિયો તૈયાર કર્યા અને પોતાની વાત લોકો તથા સ્થાનિક તંત્ર સુધી પહોંચાડી.
આ ઘટનાઓ દર્શાવે છે કે નવી પેઢી માત્ર સોશિયલ મીડિયા પર સક્રિય નથી, પરંતુ પોતાની આસપાસની સમસ્યાઓને સમજી રહી છે અને તેના ઉકેલ માટે અવાજ પણ ઉઠાવી રહી છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
